સોમવારે સાંજે આ ખાડામાં ભરાયેલા પાણીમાં તરવા પડેલા ૧૨ વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના ભિવંડીના કોપર ગામમાં બની રહેલા ડેપોમાં પિલર માટે ખાડો ખોદવામાં આવ્યો છે. સોમવારે સાંજે આ ખાડામાં ભરાયેલા પાણીમાં તરવા પડેલા ૧૨ વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું. એથી નારપોલી પોલીસે એ સાઇટ પર કામ કરતા કૉન્ટ્રૅક્ટર સામે બેદરકારી દાખવી મોત નીપજાવ્યું હોવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. સામા પક્ષે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બનાવી રહેલા નૅશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)નું કહેવું છે કે ‘આ છોકરો પિલર માટે ખોદવામાં આવેલા ખાડામાં ભરાયેલા પાણીમાં તરવા પડ્યો હતો. આ જગ્યાએ સુરક્ષાનાં પૂરતાં પગલાં લેવામાં આવ્યાં હતાં તેમ જ કાળજી પણ રાખવામાં આવી હતી. અમે આ વિસ્તારમાં રહેતા લોકોને અપીલ કરીએ છીએ કે કામ જ્યાં ચાલી રહ્યું છે ત્યાં બૅરિકેડ્સ લગાડેલા વિસ્તારની અંદર આવવું નહીં.’

