નામુમકિનને મુમકિન કરી બતાવ્યું ઘાટકોપર પોલીસે : છેલ્લા એક વર્ષમાં ઘાટકોપરમાંથી ગુમ કે ચોરી થયેલા ૩૦૦ મોબાઇલ ફોન ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, નેપાલમાંથી શોધી કાઢીને એમના મૂળ માલિકોને પાછા આપ્યા
ઘાટકોપર પોલીસે લોકોના ચોરાયેલા મોબાઇલ તેમને પાછા આપ્યા હતા.
ઘાટકોપર-વેસ્ટના પાટીદાર હૉલમાં ગઈ કાલે સવારે મહારાષ્ટ્ર પોલીસ સ્થાપના દિવસ નિમિત્તે ઘાટકોપરમાંથી ખોવાયેલા અને ચોરાયેલા મોબાઇલ ફોન મૂળ માલિકોને પાછા આપવા માટેના એક કાર્યક્રમનું આયોજન ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં ઘાટકોપર પોલીસે ઇન્ટરનૅશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) અને સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પરથી ટ્રૅક કરીને ૩૦૦ મોબાઇલ ફોન ફરિયાદીઓને પાછા આપ્યા હતા. આ તમામ મોબાઇલ ઘાટકોપરમાંથી ચોરાયા અને ખોવાયા બાદ ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને નેપાલ પહોંચી ગયા હતા. જોકે પોલીસે સતત મોબાઇલ વિશેની જાણકારી મેળવીને બીજાં રાજ્યોની પોલીસની મદદથી એ પાછા મેળવ્યા હતા.
ADVERTISEMENT
પોતાના પાછા મળેલા મોબાઇલ સાથે અક્ષય શાહ.
પોલીસે મને ફોન કરી કહ્યું કે તમારો મોબાઇલ પાછો મળી ગયો છે ત્યારે મને એમ કે કોઈકે મજાક અથવા તો છેતરપિંડી કરવા માટે મને ફોન કર્યો છે એમ જણાવતાં ઘાટકોપર-વેસ્ટની કામા ગલીમાં રહેતા અક્ષય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફોન આવ્યા બાદ શંકા જવાથી મેં એ નંબર મારી નજીકની એક વ્યક્તિને આપીને એ કોનો છે એની તપાસ કરવા કહ્યું ત્યારે એ પોલીસનો હોવાની માહિતી મળી હતી. હું બાંદરાથી ઘાટકોપર આવી રહ્યો હતો ત્યારે જૂન ૨૦૨૪માં મારો ઓપ્પો કંપનીનો મોબાઇલ રિક્ષામાં ભૂલી ગયો હતો અને મેં પોલીસ-સ્ટેશનમાં ફોન ગુમ થયો હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી. સાચું કહું તો મેં માની લીધું હતું કે હવે મારો મોબાઇલ કોઈ દિવસ પાછો મળશે નહીં. જોકે પોલીસે મારો મોબાઇલ પાછો મેળવી આપતાં મારો પોલીસ પર વિશ્વાસ ૧૦૦૧ ટકા વધી ગયો છે. ફરિયાદ કરવાથી પોલીસ-કાર્યવાહી થાય છે એ ઘાટકોપર પોલીસે સાબિત કરી બતાવ્યું છે.’
ગૌરાંગ શાહ પાછા મળેલા મોબાઇલ સાથે.
ઘાટકોપરના શ્રેયસ સિનેમા વિસ્તારમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ગૌરાંગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જુલાઈ મહિનામાં મારી પત્ની મેઘા શ્રેયસની માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી. ત્યારે એક યુવાન મેઘાનો સૅમસંગ કંપનીનો મોબાઇલ લઈને પલાયન થઈ ગયો હતો જેની ફરિયાદ મેં પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. બુધવારે મને એકાએક પોલીસનો મોબાઇલ પાછો લઈ જવા ફોન આવતાં હું આશ્ચર્યમાં પડી ગયો હતો, કારણ કે મેં મારો મોબાઇલ પાછો નહીં મળે એમ વિચારી લીધું હતું. પોલીસે ખૂબ જ સારું કામ કરીને મારો મોબાઇલ પાછો મેળવી આપ્યો છે.’
જો તમારો મોબાઇલ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો એની ફરિયાદ ચોક્કસ અમારી પાસે આવીને નોંધાવો. અમારી પાસે ફરિયાદ આવતાં અમે એના ફોન-નંબર મોબાઇલના IMEI ટ્રેકિંગ પર નાખી દીધા હતા. એમાં વપરાતા બીજા સિમ-કાર્ડ વિશે અમને માહિતી મળતાં એ સિમ-કાર્ડ કયા વિસ્તારમાં છે એની જાણકારી મેળવ્યા પછી મોબાઇલ પાછા મેળવવામાં આવ્યા હતા.
- અવિનાશ કાળદાતે, ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર
સ્કૂલનાં બાળકોને પોલીસે આપી શસ્ત્રો ચલાવવાની તાલીમ
મહારાષ્ટ્ર પોલીસના ફાઉન્ડેશન ડે નિમિત્તે ગઈ કાલે મલબાર હિલ પોલીસ-સ્ટેશનમાં BMCની સ્કૂલના વિદ્યાર્થીઓને શસ્ત્રો કઈ રીતે ચલાવવાં એની ટ્રેઇનિંગ આપવાની સાથે ગુડ ટચ, બૅડ ટચ કોને કહેવાય અને એ કઈ રીતે ઓળખી શકાય એની માહિતી આપવામાં આવી હતી. (તસવીર - શાદાબ ખાન)