MIDCની ચેમ્બર સામાન્ય રીતે પાણી ભરાઈ જાય ત્યારે જ વાલ્વમૅન દ્વારા ખોલવામાં આવે છે. પાણી ઓસરતાં એનું ઢાંકણું ફરી ઢાંકી દેવામાં આવે છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડોમ્બિવલી-કલ્યાણ શીળ રોડ પર એક ખુલ્લી ગટરમાં પડી જવાને કારણે ૬૦ વર્ષના વડીલે જીવ ગુમાવ્યો હતો. તંત્રની ભૂલને કારણે આ અકસ્માત બન્યો હોવાનું ગણાવીને તેમના પરિવારજનોએ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) પાસેથી વળતરની માગણી કરી છે તેમ જ ઘટના માટે જવાબદાર સામે ગુનાહિત મનુષ્યવધનો કેસ દાખલ કરવાની માગણી પણ કરી છે.
જીવ ગુમાવનાર બાબુ ચવાણના દીકરા કાશીનાથ ચવાણે કહ્યું હતું કે ‘મારા પપ્પા MIDC સંચાલિત ગટરની ખુલ્લી ચેમ્બરમાં પડી ગયા હતા. પડતી વખતે તેમના માથાનો પાછળનો ભાગ ગટરની દીવાલને ભટકાયો હતો જેને લીધે તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમણે જીવ ગુમાવ્યો હતો.’
ADVERTISEMENT
MIDCના ડોમ્બિવલી વિભાગના ડેપ્યુટી એન્જિનિયરે આ મામલે સ્પષ્ટતા આપી હતી કે ‘MIDCની ચેમ્બર સામાન્ય રીતે પાણી ભરાઈ જાય ત્યારે જ વાલ્વમૅન દ્વારા ખોલવામાં આવે છે. પાણી ઓસરતાં એનું ઢાંકણું ફરી ઢાંકી દેવામાં આવે છે. અમે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને સાચી હકીકત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગટર ખુલ્લી હતી કે કોઈએ ખોલી હતી એ ખ્યાલ આવતાં યોગ્ય પગલાં લેવામાં આવશે.’

