કૂવાને બાઉન્ડરી-વૉલ હોત તો કદાચ ન બની હોત આ દુર્ઘટના
ખુલ્લા કૂવામાં પીક-અપ વૅન ખાબકતાં ડૂબતા લોકોને ઉગારવાના ચાલતા પ્રયાસ.
સોલાપુરના માળશિરસ તાલુકામાં મ્હસવડ-પંઢરપુર રોડ પર તાંદૂળવાડી ગામ પાસે ખુલ્લા કૂવામાં પિક-અપ વૅન ખાબકતાં એમાં સવાર ૧૫ જણમાંથી ૮ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય સાતને બચાવી લેવાયા હતા. મળેલી માહિતી મુજબ મૃત્યુ પામનારા બધા જ પંઢરપુરના રાંજણી ગામના રહેવાસી હતી અને મ્હસવડમાં આવેલા ભગવાન સિદ્ધનાથના મંદિરે દર્શન કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિ લોકો તેમ જ પોલીસ ત્યાં પહોંચ્યાં હતાં અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. ડૂબી રહેલા ૧૫માંથી ૮ જણને બચાવવામાં સફળતા મળી હતી
ADVERTISEMENT
ખરેખર પિક-અપ વૅન કયાં કારણોસર રસ્તાની બાજુએ જ આવેલા સેફ્ટી કે બાઉન્ડરી-વૉલ કે કોઈ બૅરિકેડ્સ વિનાના કૂવામાં ખાબકી એનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઘટના બાદ સોલાપુરના પાલક પ્રધાન જયકુમાર ગોરેએ જો ઘટના બદલ કોઈ દોષી ઠરશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
પાંચ લાખ રૂપિયાનું વળતર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને દુખદ ગણાવીને મૃત્યુ પામેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
૪ મહિલા અને ૪ બાળકોએ જીવ ગુમાવ્યા
મૃત્યુ પામનારા બધા જ રાંજણી ગામના રહેવાસી હતા, જેમાં ૪ મહિલા અને ૪ બાળકોનો સમાવેશ થાય છે. ઉગારવામાં આવેલા અન્ય ૭ જણને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાની જાણકારી સ્થાનિક પ્રશાસને આપી હતી.
લાતુરમાં કાર-જીપ વચ્ચે અકસ્માત : ત્રણ જણનાં મોત, ૧૭ લોકો જખમી

લાતુર-ઔરા રોડ પર બુધોડા ગામ નજીક કાર અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં ૩ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૭ જણ ગંભીર રીતે જખમી થયા હતા. પૂરપાટ જતી કારે જીપને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. મરનારા બે લોકોની ઓળખ થઈ શકી હતી, જ્યારે એક જણની ઓળખ થઈ શકી નહોતી. જખમી થયેલાઓને લાતુરની વિલાસરાવ દેશમુખ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
