Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 9x9 Mumbai Concert: ડ્રગ્સના ઓવરડોઝથી બે MBA વિદ્યાર્થીઓના મોત; પાંચની ધરપકડ

9x9 Mumbai Concert: ડ્રગ્સના ઓવરડોઝથી બે MBA વિદ્યાર્થીઓના મોત; પાંચની ધરપકડ

Published : 14 April, 2026 12:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

9x9 Mumbai Concert: મુંબઈના ગોરેગાંવમાં 9x9 મ્યુઝિક કોન્સર્ટમાં MDMA ડ્રગ્સના સેવનને કારણે બે લોકોના મોત થયા છે અને એક વ્યક્તિની હાલત ગંભીર છે; પોલીસે આ મામલે કાર્યક્રમના આયોજક સહિત અન્ય પાંચ લોકોની ધરપકડ કરી છે; વધુ તપાસ શરુ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઇટાલિયન ટેકનો મ્યુઝિક જોડી 999999999, જેઓ `9x9` તરીકે પણ જાણીતા છે, તેમણે તાજેતરમાં મુંબઈ (Mumbai)ના ગોરેગાંવ (Goregaon) પૂર્વમાં આવેલા નેસ્કો (NESCO) એક્ઝિબિશન સેન્ટર ખાતે પર્ફોર્મન્સ આપ્યું હતું. આ કોનર્સ્ટમાં, ડ્રગ્સના શંકાસ્પદ ઓવરડોઝને કારણે બે MBA વિદ્યાર્થીઓના મોત થતા આ કોન્સર્ટ દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગયો હતો.

અહેવાલો અનુસાર, MDMA ડ્રગ્સનું સેવન કરવાને કારણે ૨૮ વર્ષીય યુવક અને ૨૪ વર્ષીય યુવતીનું મૃત્યુ થયું હતું. દરમિયાન, આ જ ગ્રુપની એક ૨૫ વર્ષીય યુવતી હાલમાં શહેરની એક હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. પોલીસે આ ડ્રગ્સ કેસના સંબંધમાં કાર્યક્રમના આયોજક, સુરક્ષા વડા (સિક્યુરિટી હેડ) અને અન્ય ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ડ્રગ્સની વહેંચણી કરવાના આરોપી એવા એક કોલેજ વિદ્યાર્થી અને કથિત સપ્લાયરની પણ ધરપકડ કરવામાં આવી છે.



ગોરેગાંવમાં 9x9 Concertમાં બે વિદ્યાર્થીઓનાં મોત


ગોરેગાંવ પૂર્વમાં આવેલા એક એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં ૧૧ એપ્રિલના રોજ ડ્રગ્સના ઓવરડોઝને કારણે એક જાણીતી કોલેજના બે MBA વિદ્યાર્થીઓના કથિત રીતે મોત થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સ્થળે ઇટાલિયન ટેકનો મ્યુઝિક જોડી 999999999, જેઓ `9x9`ના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પહોંચતા પહેલા મૃતક યુવક અને યુવતીએ `એક્સ્ટસી` ડ્રગનો ઓવરડોઝ લીધો હતો. તેઓ દક્ષિણ મુંબઈની એક પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ કોલેજમાં અભ્યાસ કરતા હતા.


ડ્રગ્સ સપ્લાયર સહિત પાંચની ધરપકડ

વિદ્યાર્થીઓને ડ્રગ્સ પૂરું પાડવાના આરોપમાં મુંબઈ પોલીસે એક આયોજક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. મૃત્યુ પામેલા બંને વિદ્યાર્થીઓની ઉંમર આશરે 24 વર્ષ હતી, જ્યારે ધરપકડ કરાયેલા શંકાસ્પદ આરોપીઓની ઉંમર 25 વર્ષની આસપાસ છે. આ તમામ લોકો ચર્ની રોડ (Charni Road) વિસ્તારમાં રહે છે.

ગોરેગાંવમાં આયોજીત 9x9 Concertમાં અંદાજે ૩૦૦૦ થી ૪૦૦૦ લોકોએ હાજરી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ વિદ્યાર્થીઓ ૧૫ લોકોના ગ્રુપ સાથે આવ્યા હતા અને કોન્સર્ટ દરમિયાન તેમને બેચેની અનુભવાતા તબિયત (2 MBA students die of drug overdose at Goregaon concert) લથડવા લાગી હતી.

આ ઘટનામાં ૧૨ એપ્રિલની વહેલી સવારે એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા વિદ્યાર્થીએ તે જ દિવસે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે આ મામલે મૃતક વિદ્યાર્થીઓના બે સાથી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત, કોન્સર્ટના આયોજન સાથે જોડાયેલા અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ આયોજકો પર આરોપ છે કે તેમણે કાર્યક્રમમાં પૂરતી સાવચેતી રાખી ન હતી, જેના કારણે કાર્યક્રમ સ્થળે ડ્રગ્સ અંદર લાવવામાં આવ્યું અને તેનું સેવન કરવામાં આવ્યું.

બંને વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વિદ્યાર્થીને જોગેશ્વરી (Jogeshwari) પશ્ચિમની ટ્રોમા હોસ્પિટલમાં અને બીજા વિદ્યાર્થીને દક્ષિણ મુંબઈ (South Mumbai)ની જેજે હોસ્પિટલ (JJ Hospital)માં લઈ જવામાં આવ્યા હતા.

કોન્સર્ટ દરમિયાન દારૂ અને ડ્રગ્સના અતિશય સેવનને કારણે ત્યાં હાજર અન્ય કેટલાક લોકોની તબિયત પણ બગડી હતી. કાર્યક્રમ દરમિયાન નશાનું પ્રમાણ વધી જવાથી કેટલાક યુવાનો મુશ્કેલીમાં મુકાયા હતા. તબિયત વધુ ખરાબ થતાં, તેમાંથી બે યુવાનોને સારવાર માટે જોગેશ્વરીની હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે ટ્રોમા કેર હોસ્પિટલ (Hindu Hriday Samrat Balasaheb Thackeray Trauma Care Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે શરુ કરી તપાસ

વનરાઈ પોલીસે 13 એપ્રિલના રોજ આ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (ખૂન ન ગણાય તેવો સાપરાધ મનુષ્યવધ), કલમ 125(b) (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતું કૃત્ય), કલમ 223(b) (જાહેર સેવક દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન) અને કલમ 3(5) હેઠળ ગુનો નોંધ્યો છે.

આ સાથે જ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની સંબંધિત કલમો હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગુનો નોંધાયા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધી મૃતક વિદ્યાર્થીઓ કે શંકાસ્પદ આરોપીઓના નામ જાહેર કર્યા નથી.

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK