વિરારના ગડા પરિવારને તેમના પુત્રને શોધવામાં તમારી સહાય જોઈએ છે: ૩૭ વર્ષનો ડિપ્રેશનનો પેશન્ટ ઉજાસ ગડા એક અઠવાડિયાથી ઘરમાંથી ગુમ થયો છે
ઉજાસ ગડા
વિરાર-વેસ્ટના અગ્રવાલનગરની ઝીલ રીજન્સીમાં રહેતો ૩૭ વર્ષનો ઉજાસ મણિલાલ ગડા ૭ સપ્ટેમ્બરે મોડી રાત પછી અચાનક તેની રૂમમાંથી ગાયબ થઈ ગયો છે. આ બાબતની વિરાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉજાસ ડિપ્રેશનનો પેશન્ટ હોવાથી આ અગાઉ એક વર્ષ પહેલાં પણ ઘર છોડીને ગયો હતો, પણ વિરારમાંથી જ મળી ગયો હતો. જોકે એક અઠવાડિયા જેવો સમય વીતી ગયો હોવા છતાં ઉજાસનો આજ સુધી કોઈ પત્તો નથી. આથી ઉજાસનો પરિવાર ખૂબ જ ટેન્શનમાં આવી ગયો છે. તેમને હવે ઉજાસને શોધવામાં લોકોની સહાયની જરૂર છે.
આ બાબતની માહિતી આપતાં ઉજાસના નાના ભાઈ બિપિન ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉજાસના જીવનમાં ઘણીબધી તકલીફો આવી છે જેને કારણે તે માનસિક રીતે પડી ભાંગ્યો છે. આ અવસ્થામાં તે ઘણી વાર માનસિક સંતુલન ગુમાવી બેસે છે. તે એકલો-એકલો બબડાટ કર્યા કરે છે. પાછો જ્યારે ઠીક થઈ જાય ત્યારે બિઝનેસમાં વ્યસ્ત થઈ જાય છે. તે છેલ્લા દોઢ મહિનાથી ઘરમાં જ રહેતો હતો. ક્યારેક સોસાયટીમાં નીચે આંટો મારવા જાય, પણ બિઝનેસમાં જતો નહોતો. થોડા દિવસથી તેણે ફરીથી માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને એકલો બેસીને બબડાટ કર્યા કરતો હતો.’
રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા કચ્છ વાગડ સમાજના બિપિન ગડાએ ઉજાસ ઘર છોડી ગયો એ દિવસની જાણકારી આપતાં કહ્યું હતું કે ‘ઇંગ્લિશ મીડિયમમાં ટ્વેલ્થ સુધી ભણેલો ઉજાસ એ દિવસે અમારા ફ્લૅટના હૉલમાં સૂતો હતો. રવિવારે સવારે મારાં મમ્મી રમીલા ગડા અચાનક ઊઠ્યાં ત્યારે તેમણે જોયું કે ઉજાસ તેની રૂમમાં નથી. અમે પહેલાં તો સમજ્યા કે ઉજાસ સોસાયટીમાં આંટો મારવા ગયો હશે, પણ લાંબા સમય સુધી પાછો ન ફરતાં અમે તેની શોધખોળ શરૂ કરી હતી અને તેના ગુમ થવાની ફરિયાદ વિરારના અર્નાલા પોલીસ-સ્ટેશનમાં લખાવી હતી. તેના મોબાઇલનું લોકેશન પહેલાં બાંદરા, પછી નાલાસોપારા એમ ચેન્જ થતું રહેતું હતું. પોલીસનું માનવું છે કે તે ટ્રેનમાં જ ફરતો હતો. આ દરમ્યાન તેણે બાંદરામાં તેના ATMમાંથી નાની-નાની રકમ કરીને ૧૭,૦૦૦ રૂપિયા ઉપાડ્યા હતા. આ પૈસા તેણે જ ઉપાડ્યા છે કે અન્ય કોઈએ એ બાબતમાં અમે હજી શ્યૉર નથી. અમે આ માટે ATMના CCTV કૅમેરાનાં ફુટેજની રાહ જોઈ રહ્યા છીએ. ત્યાર પછી એક પણ રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન થયું નથી. સાંજના ૪.૩૦ વાગ્યે તેના ફોનનું લોકેશન ગ્રાન્ટ રોડ સ્ટેશન બતાવતું હતું. જોકે તેનો મોબાઇલ ૮ સપ્ટેમ્બરના સાંજના પાંચ વાગ્યા પછી બંધ થઈ ગયો છે. આથી હવે એ પણ ટ્રેસ થતો નથી. પોલીસ ગણેશોત્સવમાં બિઝી હોવાથી એમના તરફથી અમને જોઈએ એવી મદદ મળતી નથી.’
ADVERTISEMENT
સંપર્ક કરો
ઉજાસ જ્યાં સુધી માનસિક રીતે શાંત નહીં થાય ત્યાં સુધી તે કોઈની સાથે પ્રૉપર વાત કરશે નહીં એમ જણાવતાં બિપિન ગડાએ કહ્યું હતું કે ‘આ જ અમારા માટે મોટું ટેન્શન છે. ઉજાસ સુરક્ષિત હશે તો પણ તે અમારો સંપર્ક કરવા અશક્તિમાન હશે. આથી જ અમને લોકોની સહાયની જરૂર છે. ઉજાસ ઘરેથી નીકળ્યો ત્યારે તેણે ડાર્ક ગ્રે કલરનું ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. તેની હાઇટ પાંચ ફુટ આઠ ઇંચ છે. તે દેખાવમાં ફેર છે. તેના કર્લી કાળા અને સફેદ વાળ છે. તેની આંખો કાળી છે. વજન ૧૦૦ કિલો છે. તેનો ચહેરો ગોરો અને ગોળ છે. તેના શરીરનો બાંધો ઓવરવેઇટ છે. જો કોઈએ મારા ભાઈ ઉજાસને જોયો હોય તો તેઓ મારો 98195 56567 નંબર પર સંપર્ક કરી શકે છે. મારાં મમ્મી-પપ્પા સિનિયર સિટિઝન છે.’