નવી મુંબઈના નેરુળ પાસે આવેલા એલ.પી. ફ્લાયઓવર પાસે શુક્રવારે મધરાતે એક કાર પહેલાં ડિવાઇડર સાથે જોરદાર અથડાઈ હતી
કાર ડિવાઇડર સાથે ભટકાયા બાદ થોડી જ વારમાં ભડભડ સળગી ઊઠી હતી.
નવી મુંબઈના નેરુળ પાસે આવેલા એલ.પી. ફ્લાયઓવર પાસે શુક્રવારે મધરાતે એક કાર પહેલાં ડિવાઇડર સાથે જોરદાર અથડાઈ હતી અને એ પછી એમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કાર ડ્રાઇવ કરી રહેલી ૨૯ વર્ષની તન્વી અમરજિત ભલ્લાનું મોત થયું હતું, જ્યારે તેની ફ્રેન્ડ બચી ગઈ હતી.
અકસ્માતની આ ઘટના શુક્રવારે મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યે બની હતી. તન્વી તેની ફ્રેન્ડ સાથે મુંબઈથી ખારઘર જઈ રહી હતી. નેરુળના એલ.પી. ફ્લાયઓવર પાસે તેણે કાર પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને કાર પહેલાં ડિવાઇડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તન્વી બહુ જ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તરત જ ઘટનાસ્થળે દોડી આવેલા લોકો તેને બહાર કાઢીને નજીકમાં જ આવેલી ડી.વાય. પાટીલ હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ થોડી વાર પછી એમાં આગ લાગી ગઈ હતી અને થોડી જ ક્ષણોમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડે આવીને એ આગ ઓલવી હતી.
નવી મુંબઈ પોલીસનું માનવું છે કે કાર ફ્લાયઓવર પરથી લેવી કે સર્વિસ રોડ પરથી નીચેથી લેવી એનો નિર્ણય લેવામાં ગૂંચવાડો ઊભો થતાં કાર ડિવાઇડર સાથે અથડાઈ હોવાની શક્યતા છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
