રાતે કન્સ્ટ્રક્શન-સાઇટ પર ગર્ડર બેસાડવાની કામગીરી પૂરી થયા બાદ વહેલી સવારે આ ક્રેન બંધ પડી ગઈ હતી
તસવીર : સતેજ શિંદે
અંધેરી-વેસ્ટમાં જુહુ સર્કલ પર ગુરુવારે વહેલી સવારે મેટ્રો 2Bની ચાલી રહેલી કામગીરી દરમ્યાન એક ભારે ક્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતાં એ ખોટકાઈ હતી. એને પગલે ટ્રાફિક જૅમ થયો હતો અને રસ્તાની બન્ને બાજુએ અંદાજે બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી જતાં સવારના સમયે ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારે સ્કૂલમાં જતાં બાળકોને પણ ટ્રાફિક નડતાં તેઓ સ્કૂલમાં એક કલાક મોડાં પહોંચ્યાં હતાં.
રાતે કન્સ્ટ્રક્શન-સાઇટ પર ગર્ડર બેસાડવાની કામગીરી પૂરી થયા બાદ વહેલી સવારે આ ક્રેન બંધ પડી ગઈ હતી. ક્રેન રસ્તા પર જ અટકી જતાં ટ્રાફિક માટે નડતર ઊભી થઈ હતી. વાહનોની અવરજવર ચાલુ રાખવા માટે નૉર્થ તરફ જતા માર્ગને ટૂ-વે કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના એન્જિનિયરો અને ટ્રાફિક-પોલીસની ટીમને ૪૦૦ ટનની આ ક્રેનને હટાવતાં સાંજ સુધીનો સમય લાગ્યો હતો. સાંજથી આ રૂટ પર ટ્રાફિક નૉર્મલ થયો હતો.
