બાઇક પર ઘરે જઈ રહેલાં પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત
ટ્રકનું પૈડું ફરી વળ્યા બાદ એની નીચે ફસાઈ ગયેલી મીનાક્ષી રેવાલે. (આઈડી કાર્ડમાં કલ્પેશ રેવાલે. મીનાક્ષી રેવાલે)
મુંબઈ-નાશિક હાઇવે પર શનિવારે સવારે થયેલા રોડ-ઍક્સિડન્ટમાં એક નવપરિણીત યુગલના મોત બાદ ભાંડુપ અને કલવામાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
ભાંડુપમાં રહેતો ૩૦ વર્ષનો કલ્પેશ રેવાલે અને તેની ૩૧ વર્ષની પત્ની મીનાક્ષી મોટરસાઇકલ પર મુંબઈ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે ખારેગાવ ટોલનાકા પાસે એક ભારે કન્ટેનર ટ્રકે તેમને ટક્કર મારી હતી. પોલીસના કહેવા અનુસાર અકસ્માત એટલો ગંભીર હતો કે કલ્પેશ અને મીનાક્ષી બન્ને કન્ટેનરનાં પૈડાં નીચે આવી ગયાં હતાં અને તેમનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા.
ADVERTISEMENT
આ દંપતીનાં તાજેતરમાં જ લગ્ન થયાં હતાં અને બન્ને બૅન્કિંગ ક્ષેત્રમાં કામ કરતાં વ્યાવસાયિકો હતાં. કલ્પેશ HDFC બૅન્કની અંધેરી શાખામાં નોકરી કરતો હતો, જ્યારે
મીનાક્ષી ઍક્સિસ બૅન્કની કાલિના શાખામાં કામ કરતી હતી.
આ દંપતી શુક્રવારે મીનાક્ષીની બીમાર માતાને મળવા ડોમ્બિવલી ગયું હતું. તેમની સંભાળ રાખવા માટે ત્યાં રાત વિતાવ્યા પછી તેઓ શનિવારે સવારે ભાંડુપ તેમના ઘરે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે આ જીવલેણ અકસ્માત થયો હતો.
અકસ્માતની માહિતી મળતાં કલવા પોલીસ અને ટ્રાફિક-વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. કન્ટેનર ટ્રકના ડ્રાઇવરની ઓળખ શિવકુમાર સિંહ
તરીકે થઈ છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
