Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કપાળમાં કોયતા સાથે સાયન હૉસ્પિટલ પહોંચેલા યુવાનને ૬ કલાક બેસાડી રાખવામાં આવ્યો

કપાળમાં કોયતા સાથે સાયન હૉસ્પિટલ પહોંચેલા યુવાનને ૬ કલાક બેસાડી રાખવામાં આવ્યો

Published : 05 May, 2026 08:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિસ્ટમની ક્રૂરતાનો વિડિયો વાઇરલ: ઘાયલ રોહિત પવારની હાલત ગંભીર

કોયતો ખૂંપેલી હાલતમાં રોહિત ટ્રૉમા ICUની બહાર ૬ કલાક ઊભો હતો.

કોયતો ખૂંપેલી હાલતમાં રોહિત ટ્રૉમા ICUની બહાર ૬ કલાક ઊભો હતો.


માનખુર્દમાં આવેલી PMGP કૉલોની નજીક જૂની અદાવતમાં ત્રણ યુવકોએ શનિવારે રાતે ૨૮ વર્ષના રોહિત પવાર પર કોયતા વડે હુમલો કર્યો હતો જેમાં કોયતો તેના કપાળના હાડકામાં ઊંડે સુધી ખૂંપી ગયો હતો. આ ગંભીર હાલતમાં રોહિત જ્યારે સાયન હૉસ્પિટલ પહોંચ્યો ત્યારે તેને ટ્રૉમા ICUની બહાર માથામાં કોયતો ખૂંપેલી હાલતમાં ૬ કલાક સુધી બેસાડી રાખીને સારવારમાં વિલંબ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હૃદયદ્રાવક દૃશ્યનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં નાગરિકોએ હૉસ્પિટલ સ્ટાફ અને સિનિયર ડૉક્ટરોની આકરી ટીકા કરી હતી. બીજી તરફ માનખુર્દ પોલીસે આ મામલે તત્પરતા દાખવીને હુમલો કરનાર ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.

શું હતી ઘટના?



રોહિતના ભાઈ રાહુલ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે રાત્રે સાડાદસ વાગ્યે મારો ભાઈ રોહિત નોકરીએથી માનખુર્દ સ્ટેશને ઊતરીને ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે જૂના ઝઘડાનું વેર રાખીને સર્વેશ બહાદુર, આર્યન ચવાણ અને અનિકેત રનખાવે નામના ત્રણ યુવકોએ તેને ઘેરી લીધો હતો. આ દરમ્યાન સર્વેશે ‘આજે તને ખતમ કરી નાખવો છે’ કહીને રોહિતના માથામાં ડાબી બાજુએ કોયતાનો ઘા ફટકારી દીધો હતો. તેના અન્ય સાથીઓએ ભાઈને લાત અને મુક્કા વડે માર માર્યો હતો. એ હુમલો એટલો ભયાનક હતો કે કોયતો રોહિતના કપાળના હાડકામાં ઊંડે સુધી ખૂંપી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં રોહિતે મને ફોન કરીને ઘટનાની જાણ કરી એટલે હું તાત્કાલિક સ્ટેશન પહોંચીને રોહિતને ટૅક્સીમાં સાયન હૉસ્પિટલ લઈ ગયો હતો.’ 


હૉસ્પિટલ સ્ટાફની બેદરકારી
રોહિતના ભાઈ રાહુલ પવારે કહ્યું હતું કે ‘સાયન હૉસ્પિટલમાં પહોંચ્યા બાદ અત્યંત ગંભીર હાલતમાં હોવા છતાં રોહિતને તાત્કાલિક સારવાર મળી નહોતી. હૉસ્પિટલના ટ્રૉમા ICUની બહાર માથામાં કોયતો ખૂંપેલી હાલતમાં રોહિતને ૬ કલાક ઊભો રાખ્યો હતો. ગંભીર ઈજા હોવા છતાં કોઈ ડૉક્ટરે તેને તાત્કાલિક ઇમર્જન્સી કેસ તરીકે જોવાની તસ્દી નહોતી લીધી. જોકે હૉસ્પિટલ પરિસરમાં હાજર અન્ય દરદીઓનાં સગાંસંબંધીઓ આ ભયાનક દૃશ્ય જોઈને ફફડી ઊઠ્યા હતા. રોહિતની હાલત અત્યારે પણ ગંભીર છે અને સાયન હૉસ્પિટલના ICU વૉર્ડમાં ઍડ્‍મિટ છે.’

પોલીસ શું કહે છે?
માનખુર્દ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં ત્રણેત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શાને કારણે વિવાદ થયો હતો એની માહિતી જાણવા માટેના પ્રયત્ન અમે કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK