Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પત્નીના આત્માનો ડર બતાવીને અને ૪૧ બિલાડીનો બલિ ચડાવવો પડશે એમ કહીને પડાવી લીધા ૧+ કરોડ રૂપિયા

પત્નીના આત્માનો ડર બતાવીને અને ૪૧ બિલાડીનો બલિ ચડાવવો પડશે એમ કહીને પડાવી લીધા ૧+ કરોડ રૂપિયા

Published : 05 May, 2026 10:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુલુંડના નિવૃત્ત સિનિયર સિટિઝનને બનાવટી જ્યોતિષીએ છેતર્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુલુંડ-ઈસ્ટના નીલમનગરમાં રહેતા અને ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (BARC)માંથી નિવૃત્ત થયેલા ૬૦ વર્ષના સિનિયર સિટિઝનને પત્નીના આત્માનો ડર બતાવીને એક ઢોંગી જ્યોતિષીએ ૧.૦૫ કરોડથી વધુ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના બની છે. આ મામલે ગોવંડી પોલીસે રાજશેખર શાસ્ત્રી નામના જ્યોતિષી વિરુદ્ધ છેતરપિંડી અને અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ ફરિયાદ નોંધીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ફરિયાદીની પત્નીનું ૨૦૨૩માં અવસાન થયું હતું જેને લીધે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. એ દરમ્યાન મુલુંડમાં ‘દુર્ગામાતા જ્યોતિષી કેન્દ્ર’ના બોર્ડ પર ‘તમામ સમસ્યાઓનું ૧૦૦ ટકા નિરાકરણ’ વાંચીને તેઓ જ્યોતિષ રાજશેખર શાસ્ત્રીના સંપર્કમાં આવ્યા હતા. જ્યોતિષીએ શરૂઆતમાં દક્ષિણાના નામે થોડા રૂપિયા લીધા હતા, પરંતુ ત્યાર બાદ ફરિયાદીને ડરાવવાનું શરૂ કરીને તેની પત્નીનું મૃત્યુ કાળાજાદુને કારણે થયું છે અને જો વિધિ નહીં કરાવવામાં આવે તો તેના પુત્રનું પણ મૃત્યુ થઈ શકે છે એવો ભય બતાવ્યો હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે રાજશેખર શાસ્ત્રી નામના જ્યોતિષીની શોધખોળ હાથ ધરી છે.

કેવી રીતે થઈ છેતરપિંડી?



ગોવંડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરીનાથ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૪ના અંતમાં ફરિયાદી મુલુંડમાં મૉર્નિંગ વૉક માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે રસ્તા પર ‘દુર્ગામાતા જ્યોતિષ કેન્દ્ર’ના બોર્ડ પર ‘તમામ સમસ્યાઓનું ૧૦૦ ટકા નિરાકરણ’ નામનું બોર્ડ જોયું હતું. ત્યાર બાદ તેઓ ગોવંડીમાં રાજશેખર શાસ્ત્રી નામના જ્યોતિષીને મળ્યા હતા. શરૂઆતમાં ભોંદુ જ્યોતિષી ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે અનેક ગતકડાં કર્યાં હતાં. તેણે દાવો કર્યો હતો કે એક સંન્યાસી મહિલાના શરીરમાં તેમની પત્નીનો આત્મા પ્રવેશે છે અને ઘરેણાંની માગણી કરે છે. આ ડરને કારણે ફરિયાદીએ પોતાના બૅન્ક-લૉકરમાંથી પત્નીના લાખો રૂપિયાનાં સોનાનાં ઘરેણાં કાઢીને જ્યોતિષીને સોંપી દીધાં હતાં. જ્યોતિષીએ વિધિના બહાને વારંવાર રોકડ રૂપિયા પડાવી લઈને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહેશો તો પત્નીનો આત્મા આખા પરિવારને ખતમ કરી નાખશે.’


‘દાગીના લીધા બાદ બાબાએ ૪૧ દિવસની પૂજા કરાવવી પડશે અને એ ઉપરાંત ૪૧ બિલાડીનો બલિ ચડાવવો પડશે એમ કહીને રૂપિયા માગ્યા હતા એમ જણાવતાં સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરીનાથ સાવંતે વધુમાં કહ્યું હતું કે ‘આખરે પૂજા પૂરી થયા પછી પણ પૈસા અને દાગીના પાછા ન મળતાં ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ત્યાર બાદ તેમણે પુરાવા ભેગા કરીને ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ કુલ ૯૩.૪૭ લાખ રૂપિયા રોકડા અને ૧૨.૪૨ લાખ રૂપિયાના દાગીના મળીને કુલ ૧,૦૫,૯૦,૦૯૯ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ કેસમાં નાસી ગયેલા બાબાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK