ભિવંડીમાં વિસર્જનયાત્રા પર થયેલા પથ્થરમારા બાબતે તૂતૂમૈંમૈં
અજિત પવાર, નીતેશ રાણે
ભિવંડીમાં મંગળવારે મોડી રાત્રે ગણપતિની મૂર્તિની વિસર્જનયાત્રા સમયે પથ્થરમારો કરવામાં આવ્યો હતો એ વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય નીતેશ રાણેએ મુસ્લિમો પર પ્રહાર કર્યા હતા. આથી નારાજગી વ્યક્ત કરીને મહાયુતિમાં સામેલ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કેન્દ્રના BJPના નેતાઓને ફરિયાદ કરી છે. અજિત પવારે ફરિયાદમાં કહ્યું હતું કે ‘દરેકને પોતપોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ અધિકાર આપ્યો છે. જોકે સત્તાધારી કે વિરોધ પક્ષોમાં કોઈએ પણ મર્યાદા પાળવી જોઈએ. જેવુંતેવું નિવેદન કરીને મુખ્ય પ્રધાન, મહાયુતિ સરકાર અને સાથી પક્ષોને મુશ્કેલીમાં ન મૂકવાં જોઈએ.’
ગઈ કાલે વિધાનસભ્ય નીતેશ રાણેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અજિત પવારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકે છે, એ તેમના પક્ષનો વિષય છે. અમારા પક્ષના વરિષ્ઠો સાથે વાતચીત કર્યા બાદ તેઓ જે કહેશે એ મુજબ અમે કામ કરીશું. અમારી દિલ્હીમાં ફરિયાદ કરનારાએ ગણપતિની મૂર્તિની વિસર્જનયાત્રા પર પથ્થરમારો કરનારાઓનો વિરોધ કરવો જોઈતો હતો. વિરોધ કર્યો હોત તો તેમણે ક્યાંય ફરિયાદ કરવાની જરૂર ન પડત.’