SIT પીડિત મહિલાને લઈને અશોક ખરાતની ઑફિસમાં તપાસ માટે પહોંચી
અશોક ખરાતને તપાસ માટે લઈ જઈ રહેલા SITના પોલીસ ઑફિસર્સ.
નાશિકના સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાતના કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ગઈ કાલે ફરી એક વાર અશોક ખરાતની ઑફિસ પર તપાસ માટે પહોંચી હતી. પીડિત મહિલાઓ સાથે SITની અને ફૉરેન્સિકની ટીમ અશોક ખરાતની ઑફિસ પર પહોંચી હતી. અશોક ખરાતે પીડિત મહિલાઓનું જાતીય શોષણ કયાં કર્યું એની માહિતી જાણવા માટે SIT તેમને લઈને પહોંચી હતી.
અશોક ખરાત કેસની તપાસમાં વિવિધ માહિતી સામે આવી રહી છે. SITની તપાસમાં પોલીસના હાથમાં બીજી એક ચોંકાવનારી વાત આવી છે. અશોક ખરાતના મોબાઇલમાંથી ઘણા સંકેતો સામે આવી રહ્યા છે. અશોક ખરાતના મોબાઇલમાં ૨૫૦૦થી વધુ નંબર કોડવર્ડમાં સેવ હોવાથી આ કેસની તપાસ વધુ રહસ્યમય બની ગઈ છે. અશોક ખરાતના મોબાઇલ ડેટા પર ઊલટતપાસ કરવામાં આવશે. SIT કૉલ રેકૉર્ડ્સ, ચૅટ અને નાણાકીય વ્યવહારોની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને મોબાઇલમાં રહેલા કૉન્ટૅક્ટના આધારે નવી માહિતી શોધવાનો પ્રયાસ કરી રહી છે. અશોક ખરાતની શિવાનિકા સંસ્થાનું બૅન્ક-અકાઉન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે. SITએ મિલકત વિશે માહિતી માગી છે અને અશોક ખરાતના પરિવારના નામે જમીન, મકાનો અને દુકાનોની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
અશોક ખરાતના શ્રી શિવનિકા સંસ્થાનના ટ્રસ્ટના પદાધિકારીઓને સમન્સ
શ્રી શિવનિકા સંસ્થાનના વર્તમાન અને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ જેમાં રૂપાલી ચાકણકરનો સમાવેશ થાય છે તેમને સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. જોકે ગઈ કાલે રૂપાલી ચાકણકર SIT તપાસ માટે હાજર રહ્યાં નહોતાં. રાજ્ય મહિલા આયોગનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રૂપાલી ચાકણકરને અશોક ખરાત કેસમાં તપાસ માટે હાજર થવા માટે IT વિભાગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. જોકે ૨૪ કલાક પછી પણ રૂપાલી ચાકણકર તપાસ માટે SIT સમક્ષ હાજર થયાં નથી. SIT એ તપાસ કરવા માગે છે કે શું રૂપાલી ચાકણકરે મહિલા આયોગનાં અધ્યક્ષ હતાં ત્યારે અશોક ખરાત અને તેમના ટ્રસ્ટને કોઈ ફાયદો પહોંચાડ્યો હતો?
