હવાલાના રૅકેટનું દુબઈ-કનેક્શન હોવાની શક્યતા પર તપાસ
અશોક ખરાત
મહિલાઓ પર જાતીય અત્યાચાર અને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આરોપ ધરાવતા સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાતના કેસમાં એક મોટી અપડેટ સામે આવી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે અશોક ખરાત મુંબઈની એક ફાઇવસ્ટાર હોટેલમાંથી હવાલા-રૅકેટ ચલાવી રહ્યો હતો. આ માટે તેણે હોટેલમાં એક ખાસ રૂમ બુક કરાવી હતી જેનું રોજનું ભાડું ૨૫,૦૦૦ રૂપિયા હતું અને એ રૂમ ૩૬૫ દિવસ માટે બુક રહેતી હતી. આ રૂમમાંથી કરોડો રૂપિયાની લેવડદેવડ થતી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ હવાલા-રૅકેટનું દુબઈ કનેક્શન બહાર આવી શકે છે.
છેતરપિંડી કરનાર અશોક ખરાતના કેસમાં SIT તપાસમાં કેટલાક મહત્ત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. SITએ કોર્ટમાં સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે અશોક ખરાતનો કેસ ફક્ત રાજ્ય પૂરતો મર્યાદિત નથી પરંતુ અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયો છે. અશોક ખરાતે ઑસ્ટ્રેલિયા અને દુબઈ સહિત પાંચ દેશોમાં હવાલા દ્વારા પૈસા મોકલ્યા છે.
ADVERTISEMENT
વિધાનસભ્ય રોહિત પવારે માગણી કરી છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) આ કૌભાંડની તપાસ કરે, કારણ કે એમાં રાજકીય નેતાઓ અને વહીવટી અધિકારીઓના હજારો કરોડ રૂપિયા સામેલ છે.
આ કૌભાંડ પાછળ એક મોટું રૅકેટ કાર્યરત છે. આના કારણે દેશની સુરક્ષા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રોહિત પવારે એવી પણ માગણી કરી છે કે આ સંદર્ભમાં રાજ્ય સરકાર પાસે રહેલા તમામ પુરાવા કેન્દ્ર સરકારને આપવામાં આવે અને કેન્દ્રીય એજન્સીઓ આ મામલાની સંપૂર્ણ તપાસ કરે.
