ભરરસ્તે યુવતીથી અપમાનિત થયેલા યુવકે આવું કહીને જીવન ટૂંકાવી દીધું
યુવતીએ લાફો માર્યો ત્યાર બાદ વ્યથિત થઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરનાર ચંદ્રહાર શિંદે.
જાહેરમાં યુવતીએ લાફો મારી દેતા અપમાન અનુભવતા યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બીડમાં બની હતી. આત્મહત્યા કરનારા યુવકનું નામ ચંદ્રહાર રાજેભાઉ શિંદે હોવાનું પોલીસે જણાવ્યું હતું. મળેલી માહિતી મુજબ ૧૩મેએ ચંદ્રહાર શિંદેને તેના ગામ મોહાની જ એક યુવતીએ જાહેરમાં લોકોની હાજરીમાં તમાચો માર્યો હતો.
આ ઘટના બાદ અપમાનિત અનુભવી રહેલો ચંદ્રહાર શિંદે હતાશામાં સરી પડ્યો હતો. ૧૪ મે તેણે પોતાના પિતાને ફોન કરી એ તેનો છેલ્લો ફોન છે અને હવે પછી તેનો ફોન ક્યારેય નહીં આવે એમ કહી ફોન બંધ કરી દીધો હતો. પિતાની સાથે ફોન પર વાત કર્યા બાદ ગામમાં આવેલા લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ સિરસાળા પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે ગુનો દાખલ કર્યા બાદ યુવતીએ શા માટે ચંદ્રહાર શિંદેને લાફો માર્યો હતો એની તપાસ કરી રહી છે.
