કાંદિવલી-ઈસ્ટમાં લોખંડવાલા ટાઉનશિપમાંથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ખડે પગે ઊભા રહીને વર્ષો જૂની ટ્રાફિક જૅમની સમસ્યા હળવી કરી
સમતાનગર ટ્રાફિક વિભાગના સિનિયર PI જગદીશ ભોપળેનું સન્માન કરતા રહેવાસીઓ
કાંદિવલી-ઈસ્ટની લોખંડવાલા ટાઉનશિપના રહેવાસીઓએ સમતાનગર ટ્રાફિક વિભાગના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર જગદીશ ભોપળેનું ટ્રાફિકની અનેક સમસ્યાઓનો મહદંશે ઉકેલ લાવવા બદલ સન્માન કર્યું હતું. લોખંડવાલા રેસિડન્ટ્સ અસોસિએશન (LRA)એ એપ્રિલની શરૂઆતમાં ઉત્તર મુંબઈ ટ્રાફિક વિભાગના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP)ની ઑફિસમાં સન્માન સમારોહનું આયોજન કર્યું હતું.
જગદીશ ભોપળે BMC, MMRDA અને હાઇવે સેલ સાથે કો-ઑર્ડિનેશન કરીને રસ્તાના સમારકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફૅસિલિટીમાં સુધારો ઝડપી બને એ માટે સતત પ્રયાસ કરતા હતા. તે ઘણી વાર કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મોડી રાત્રે સેન્સિટિવ સ્પૉટ પર જઈને જાતે ઊભા રહેતા હતા. અસોસિએશને કહ્યું હતું કે જગદીશ ભોપળે નવા ટ્રાફિક-નિયમો લાગુ કરતાં પહેલાં અને ફરિયાદોનું નિરાકરણ કરતાં પહેલાં સ્થાનિક સમસ્યાઓ સમજવા માટે રહેવાસીઓ સાથે સ્થળની સંયુક્ત મુલાકાત લઈને ઉકેલ લાવતા હતા.
ADVERTISEMENT
આકુર્લી રોડ પર ટ્રાફિક પચાસ ટકા ઘટી ગયો
અસોસિએશનના જણાવ્યા અનુસાર સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર જગદીશ ભોપળેની સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ આકુર્લી રોડ પર ટ્રાફિક-મૂવમેન્ટમાં જે સરળતા આવી છે એ છે. એક સમયે એ સમસ્યા વણઉકેલાયેલી અડચણ માનવામાં આવતી હતી, પરંતુ રહેવાસીઓ દાવો કરે છે કે તેમણે કુશળતાથી પગલાં લેતાં ટ્રાફિકમાં લગભગ પચાસ ટકા જેટલો ઘટાડો થયો છે.
