બીડના સંસદસભ્યએ આ આરોપ કરવાની સાથે એવું પણ કહ્યું કે પ્રધાનમંડળની શપથવિધિ વખતે વાલ્મીક કરાડ નાગપુરમાં હતો
વાલ્મીક કરાડ
બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની સ્થાપના કર્યા બાદ રોજ થઈ રહેલા નવા-નવા ખુલાસાએ અમુક નેતાઓની ઊંઘ ઉડાડી દીધી છે. હવે બીડના સંસદસભ્ય બજરંગ સોનવણેએ કહ્યું છે કે ૩૧ ડિસેમ્બરે વાલ્મીક કરાડે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના કાફલામાં જે કારનો ઉપયોગ થતો હતો એ કારમાં પોલીસ સમક્ષ જઈને સરેન્ડર કર્યું હતું. આ સિવાય તેમણે એવો પણ દાવો કર્યો હતો કે શપથવિધિ વખતે વાલ્મીક કરાડ નાગપુરમાં જ હતો.
આ કેસમાં વાલ્મીક કરાડ માસ્ટરમાઇન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે હજી તેને હત્યાના ગુનામાં આરોપી નથી બનાવ્યો. સંતોષ દેશમુખના જ કેસમાં ખંડણી માગવાનો તેના પર આરોપ છે અને આ કેસમાં તેણે સરેન્ડર કર્યું હતું.
ADVERTISEMENT
વાલ્મીક કરાડ રાજ્યના પ્રધાન અને અજિત પવારના ખાસ ધનંજય મુંડેનો અત્યંત વિશ્વાસુ સાથી હોવાથી આ કેસમાં તેમના પર પણ આરોપ થઈ રહ્યા છે. વિરોધ પક્ષનું કહેવું છે કે ધનંજય મુંડેની પણ આ કેસમાં તપાસ થવી જોઈએ અને તેમણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.
દરમ્યાન, સંતોષ દેશમુખ કેસમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમને સરકારે રાખવા જોઈએ એવી ત્યાંના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સુરેશ ધસે માગણી કરી હોવાથી એ સંદર્ભમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મેં ઉજ્જવલ નિકમને આ માટે વિનંતી કરી છે. તેમણે નિર્ણય લેવા માટે બે-ત્રણ દિવસનો સમય માગ્યો છે.’
સંતોષ દેશમુખના હત્યારાને ફાંસીની સજા થવી જોઈએ : ધનંજય મુંડેએ મૌન તોડ્યું
સંતોષ દેશમુખ હત્યાકેસમાં જ્યારથી વાલ્મીક કરાડનું નામ આવ્યું છે ત્યારથી ધનંજય મુંડે સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. જોકે અત્યાર સુધી તેઓ બોલવાનું ટાળતા હતા, પણ ગઈ કાલે પહેલી વાર તેમણે કહ્યું હતું કે સંતોષ દેશમુખના હત્યારાને ફાંસીની સજા થવી જોઈએ. ત્યાર બાદ પત્રકારોએ તેમને પૂછ્યું કે તમારે રાજીનામું ન આપવું જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે ‘હું શું કામ રાજીનામું આપું? આ હત્યાકેસ સાથે મારે કોઈ સંબંધ નથી.’