ભારતના ભવ્યાતિભવ્ય ઇતિહાસનું મહત્ત્વનું પાનું એટલે મહાકુંભ શરૂ થવામાં છે ત્યારે જાણીએ. ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલનારો મહાકુંભમેળો ખાસ એટલા માટે છે કેમ કે એ દર ૧૪૪ વર્ષે આવે છે.
શા માટે પહેલું શાહી સ્નાન કરવાનો અધિકાર નાગા સાધુઓને મળ્યો છે?
કુંભમેળો અને નાગા સાધુઓનો અનન્ય સંબંધ છે. ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ તો કુંભમેળો એ માત્ર ધાર્મિક જ નહીં, સામાજિક અને રાજકીય રીતે પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. કુંભમેળાના ઇતિહાસ ઉપરાંત સમાજ અને સંસ્કૃતિના રક્ષક તરીકેની ભૂમિકા ધરાવતા નાગા સાધુઓ વિશે જાણીશું તો સમજાશે કે આદિગુરુ શંકરાચાર્ય અને તેમના આહ્વાનથી નાગા સાધુઓએ આજના સનાતન હિન્દુ ધર્મને ટકાવવામાં અને વર્તમાન સ્વરૂપ આપવામાં કેટલી મોટી ભૂમિકા ભજવી છે
ભારતીય સનાતન સંસ્કૃતિનો એક અતૂટ અને ગૌરવપ્રદ હિસ્સો એટલે કુંભમેળો. ધાર્મિક, સામાજિક, સાત્ત્વિક, સનાતની, સંન્યાસી જેવી અનેક બાબતોનો સાગમટે ભેટો એટલે કુંભમેળો. પ્રસંગ એક, પણ એની મહત્તાઓની કહાણીઓ અનેક. કુંભમેળાના ભવ્ય ઇતિહાસની વાત માંડીએ તો કદાચ એક વિશાળ ગ્રંથની રચના થઈ શકે એટલું બધું કહેવા-લખવા, વાંચવા-જાણવા જોગ છે.
ADVERTISEMENT
કુંભમેળો અને નાગા સાધુઓનો એક અનન્ય સંબંધ છે. જે રીતે કુંભમેળો આખા વિશ્વમાં એકમાત્ર ભારતની જ ધરોહર અને મહાન સંસ્કૃતિનું ઉદાહરણ છે એ જ રીતે નાગા સાધુઓ પણ એકમાત્ર ભારતમાં જ પોતાના ભવ્ય સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસ સાથે જીવી રહ્યા છે. આપણે જ્યારે તેમને કુંભમેળામાં જોઈએ ત્યારે પ્રશ્ન થાય કે આટલા બધા નાગા સાધુઓ ભારતમાં રહે છે? પણ ભારતમાં જ રહેતા હોય તો કુંભમેળા સિવાય એ લોકો કેમ ક્યારેય ક્યાંય દેખાતા નથી? કુંભમેળો પૂર્ણ થાય કે અચાનક બધા ક્યાં ગાયબ થઈ જતા હશે? તો આજે કુંભમેળાની થોડી વાતો કરવી જ છે, પણ એથીયે ખાસ વાતો કરવી છે આ રહસ્યમય અને પહેલી નજરે બીક લાગે એવા છતાં સમાજ અને સંસ્કૃતિના રક્ષક તરીકેનો ભવ્ય ઇતિહાસ ધરાવતા નાગા સાધુઓ વિશે. એ પહેલાં કુંભમેળા વિશેની કેટલીક વાતોનાં પાનાં ઊથલાવી લઈએ.
કુંભ અને પુરાણકથા
મહાકુંભ, અર્ધકુંભ કે સિંહસ્થ કુંભ. પ્રાચીન સનાતન સંસ્કૃતિમાં યુગોથી કુંભમેળાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. હિન્દુ ધર્મગ્રંથોથી લઈને પૌરાણિક કથાઓમાં પણ કુંભમેળાનાં અનેક વર્ણન અને કહાણીઓ મળી રહે છે. કુંભમેળાની ઉજવણી શા માટે અને કઈ રીતે શરૂ થઈ અને કયા કારણસર આજ સુધી એ આટલી ભવ્યતાથી ઊજવવામાં આવે છે એ વિશેનો સંપૂર્ણ ઇતિહાસ આપણને દસ્તાવેજી પુરાવાઓ સાથે મળે છે. તો સૌથી પહેલાં વાત કરીએ કુંભના પ્રાચીન ઇતિહાસની.
કુંભમેળાની તીર્થયાત્રા તરીકેની ઉજવણી અને પ્રસિદ્ધિ વિશેનો સૌથી પહેલો ઉલ્લેખ આપણને ઋગ્વેદમાં મળે છે. ઋગ્વેદમાં ‘સમુદ્રમંથન’ વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, જેને ‘સાગરમંથન’ અથવા ‘બ્રહ્માંડીય મહાસાગર મંથન’ તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. આ દિવ્ય કહાણી જ કુંભમેળાની શરૂઆતનું મુખ્ય કારણ છે. ઘટના કંઈક એવી છે કે જ્યારે દેવો અને દાનવો દ્વારા ૧૨ દિવ્ય દિવસો (અર્થાત્ ૧૨ માનવવર્ષ) સુધી સમુદ્રમંથનની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે તમામ રત્નો અને વિષની પ્રાપ્તિ બાદ અંતમાં અમૃતરત્નની પ્રાપ્તિ થઈ. દેવોના વૈદ્ય ગણાતા ભગવાન ધનવન્તરિનું હાથમાં અમૃતકળશ સાથે પ્રાગટ્ય થયું. અમરતા અર્થાત્ અમૃત અને એ જેમાં હતું એ વાસણ એટલે કુંભ. હવે જ્યારે અમૃતની પ્રાપ્તિ થઈ ત્યારે દેવો અને દાનવો બન્નેને ખબર હતી કે આ અમૃતનું પાન કરવાથી અમરત્વ પામી શકાશે એથી દેવો અને દાનવો વચ્ચે એ અમૃતકુંભ મેળવી લેવા માટે હોડ જામી. ત્રિદેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) જાણતા હતા કે જો આવું દિવ્યપાન દાનવો પ્રાપ્ત કરી લેશે તો સમગ્ર બ્રહ્માંડમાં અરાજકતા અને અધર્મનું રાજ થઈ જશે. એટલે કોઈ પણ કાળે તેમનાથી એ અમૃતકળશ બચાવી લેવો આવશ્યક હતો. પરિણામે દાનવોથી બચાવવા માટે મોહિનીસ્વરૂપ શ્રીહરિ એ અમૃતકળશ લઈને ભાગતા હતા ત્યારે તેમનાથી કુંભમાંથી થોડાં ટીપાં છલકાઈને પૃથ્વી પર ચાર સ્થળોએ પડ્યાં. એ બૂંદો જે ચાર સ્થળોએ પડ્યાં હતાં એ જ ચાર સ્થળે ત્યારથી કુંભમેળો ઊજવાવા માંડ્યો. કહેવાય છે કે એ સમયે ત્યાંની ધરતી અને નદીઓમાં અમૃતનો વાસ હોય છે.
મહાકુંભ મેળામાં ગઈ કાલે પ્રયાગરાજમાં શ્રી નિરંજની અખાડાનાં સાધ્વીનુું આગમન થયું હતું.
ઇતિહાસના પાને કુંભમેળો
આ મૂળ પૌરાણિક સંદર્ભ જે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં યુગોથી વર્ણિત છે. એ સિવાય કુંભના ઐતિહાસિક પુરાવાઓ અને ઉલ્લેખ પણ મળે છે. ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ તો કુંભમેળાનો સૌથી પહેલો ઐતિહાસિક પુરાવો મળે છે મૌર્ય અને ગુપ્તકાળમાં. વાત છે લગભગ ઈસા પૂર્વ ચોથી સદીથી લઈને ૬ઠ્ઠી સદીની. આ સમયકાળ દરમ્યાન મહાન ભારતીય સંસ્કૃતિના મહાન રાજવી સમ્રાટ અશોકનું રાજ હતું. આ કાળ દરમ્યાનના મળેલા શિલાલેખો પરથી ખબર પડે છે કે સમ્રાટ અશોકના રાજ દરમ્યાન ભારતીય ઉપમહાદ્વીપનાં કેટલાંક મહત્ત્વનાં સ્થળોએ ધાર્મિક યાત્રાળુઓ અવારનવાર યાત્રા માટે પ્રવાસ કરતા હતા. જેમ-જેમ ધાર્મિક જાગ્રતતા અને સહિષ્ણુતા વધતી ગઈ એમ-એમ કુંભમેળાના આયોજનની ભવ્યતા પણ વધતી ગઈ એટલું જ નહીં, સંસ્કૃતિ અને ધર્મની ઉજવણી થઈ રહી હોવાને કારણે સમ્રાટ અશોકે પણ એને ખૂબ મહત્ત્વ આપ્યું અને આ ઉજવણીને વધુ ભવ્ય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો.
ત્યાર બાદ કળા અને સંસ્કૃતિને અત્યંત મહત્ત્વ આપનારા ગુપ્ત વંશના રાજવીઓના સાશનકાળના પુરાતત્ત્વીય અવશેષો અને શિલાલેખો દ્વારા આપણને જાણવા મળે છે કે સાધુ-સંતો, ધાર્મિક વડાઓ અને સમાજના સામાન્ય શ્રદ્ધાળુઓ સહિત અન્ય લોકો આ કુંભમેળામાં સામેલ થવા માટે પ્રવાસ કરતા હોવાને કારણે ગુપ્ત વંશના રાજવીઓ એ સમયે ‘પવિત્ર સભા’ તરીકે અનેક મેળાવડાનું અને રાજ દરબારનું આયોજન કરતા હતા. જ્યાં શાસ્ત્રવિદો શાસ્ત્રાર્થથી લઈને સમાજઘડતર જેવા અનેક મહત્ત્વના વિષયો પર ચર્ચા કરતા અને નિર્ણયો લેતા હતા. ત્યાર બાદ ધીરે-ધીરે આ સાશનકાળ દરમ્યાન કુંભમેળો સામાજિક અને ધાર્મિક બન્ને કારણોથી એક અત્યંત મહત્ત્વનું મુખ્ય કેન્દ્ર બની ગયું.
મધ્યકાળ અને કુંભમેળો
ભારતના ઇતિહાસને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે; પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન અને અર્વાચીન. તો ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં પણ કુંભમેળાની ભવ્ય ઉજવણીના દસ્તાવેજી પુરાવા મળે છે. આ સમયકાળ દરમ્યાન કુંભમેળાને શાહી સંરક્ષણ મળ્યું અને સાંસ્કૃતિક પરંપરાઓના ઉત્કર્ષ તરીકેની ઓળખ પણ મળી. દક્ષિણ ભારતનો મહાન રાજવંશ એટલે ચૌલવંશના રાજવીઓ. એ સિવાય વિજયનગરનો રાજવંશ અને બીજી તરફ ઉત્તર ભારતમાં આ સમય સુધીમાં બાહરી આક્રાંતાઓ-મુગલો પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી ચૂક્યા હતા. અત્યંત જુલમી, કટ્ટર મુસ્લિમ અને હિન્દુ ધર્મ તથા સંસ્કૃતિનું નિકંદન કાઢી નાખવાની મંશા રાખનારા એ ઘૃણાસ્પદ મુગલો વચ્ચે પણ એક મુગલ સમ્રાટ હતો જે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે થોડા પ્રમાણમાં સહિષ્ણુતા ધરાવતો હતો અને તેનું નામ હતું અકબર. આ સમય દરમ્યાન ચૌલવંશ અને વિજયનગરના રાજવીઓ દ્વારા કુંભમેળાને અત્યંત મહત્ત્વ અપાઈ રહ્યું હોવાનું જોતાં અકબરે પણ કુંભના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને અને મહત્ત્વને સ્વીકાર્યું. તેણે પણ બીજા રાજવીઓની જેમ જ કુંભમેળાને શાહી સંરક્ષણ આપવાની જાહેરાત કરી એટલું જ નહીં, અકબર અને નાગા સાધુઓ વચ્ચે કુંભમેળા દરમ્યાન જ એક સમજૂતી પણ થઈ હતી, એ અનુસાર અકબરે ધાર્મિક સહિષ્ણુતા દેખાડતાં શ્રદ્ધાળુઓ સહૂલિયતથી સ્નાન કરી શકે એ માટે નદીઓના કિનારે ઘાટ બનાવવા એવું નક્કી થયું હતું.
આ સમય દરમ્યાન અકબરને નાગા સાધુઓની તપસ્વી જીવનશૈલી અને સૈન્ય ઇતિહાસ વિશેની જાણકારી પણ મળી હતી. ૧૫૬૫ની સાલ દરમ્યાનના મળતા દસ્તાવેજી પુરાવાઓ કહે છે કે આ સાલમાં કુંભમેળાનું આયોજન ત્યાં જ થયું હતું જ્યાં આ વર્ષે મેળો ઊજવાઈ રહ્યો છે; જી હા, પ્રયાગરાજ. પ્રયાગમાં આયોજિત એ કુંભમેળા દરમ્યાન અકબરે નાગા સાધુઓ સાથે એક ઐતિહાસિક સંમેલન કર્યું અને એ દરમ્યાન તેણે નાગા સાધુઓ વિશે વિગતે માહિતી મેળવી. તેમની પરંપરા, અનુશાસન અને સમર્પણની ભાવનાથી અકબર એવો પ્રભાવિત થયો કે તેણે નાગા સાધુઓની તમામ શરતો માની લીધી અને નદીઓના કિનારે શ્રદ્ધાળુઓ માટે ઘાટ કે ઓવારા બનાવવા માટે હામી ભરી.
બ્રિટિશકાળનો ઇતિહાસ
ત્યાર બાદ આવે છે અર્વાચીન ઇતિહાસની વાતો, જેમાં ભારતના ગુલામી કાળનો સમાવેશ થાય છે. બ્રિટિશર્સના એ સમય દરમ્યાન પણ કુંભમેળાના ભવ્ય આયોજનના દસ્તાવેજી પુરાવા ઇતિહાસના પાને મળી આવે છે. એ દરમ્યાન ભારતમાં અનેક અંગ્રેજ અને યુરોપીય પ્રજા પ્રવાસી તરીકે આવતી હતી. આવા અનેક પ્રવાસીઓએ ભારતના આ ભવ્ય કુંભમેળાના આયોજનનું દસ્તાવેજીકરણ કર્યું હતું.
એક બ્રિટિશ પ્રશાસક જેમ્સ પ્રિન્સેજ તેમની અંગત નોંધમાં લખે છે, ‘ભારતનો અદ્વિતીય ઐતિહાસિક સમારોહ એટલે કુંભમેળો. એ આ સમાજના એક સાવ નવા પરિપ્રેક્ષ્યને પ્રસ્તુત કરે છે. કોઈ પણ પ્રવાસી જે ભારતનો મૂળ નિવાસી નહીં હોય તેણે જો કુંભમેળો નથી જોયો તો તેણે ભારત જોયું જ નથી એમ હું કહીશ.’
એ સિવાય યુરોપના પ્રસિદ્ધ લેખક ઍન્ડ્રુ હેન્ડવર તેમના પ્રવાસવર્ણનના પુસ્તકમાં લખે છે, ‘ભારત પાસે એનો અનુષ્ઠાનિક વારસો અત્યંત ભવ્ય છે. એની ધાર્મિક પ્રથાઓ, વિશાળ સામાજિક સભાઓ વગેરેને સહિયારું અસ્તિત્વ જોવા મળે છે એના કુંભમેળામાં. ભારતની ધાર્મિક વ્યવસ્થા એના સમાજને સામાજિક ગતિશીલતા બક્ષે છે. સુદૃઢ અને સાંસ્કૃતિક વારસા સાથે જીવી રહેલો સમાજ કુંભમેળામાં એક સાવ અલાયદું રૂપ ધારણ કરી લે છે. ભારતનો કુંભમેળો સ્થાયી હોવા છતાં એ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને જાળવી રાખવા માટે સક્ષમ છે.’
નાગા સાધુઓ વિના અધૂરો
કુંભમેળા વિશેની આટલી વાતો બાદ હવે એ મૂળ વાત પર આવીએ જે વિશે આપણે જાણવું છે. કુંભમેળો અને નાગા સાધુઓ વિશેનો ઇતિહાસ ભવ્યાતિભવ્ય છે અને દરેક સનાતન હિન્દુએ જાણવો જ જોઈએ. કુંભમેળો હોય અને નાગા સાધુ ન હોય એ શક્ય નથી, ખરુંને? ઇન ફૅક્ટ નાગા સાધુઓ વિના કુંભમેળો શક્ય જ નથી, કારણ કે કુંભમેળાના આરંભે સૌથી પહેલાં સ્નાનનો અધિકાર નાગા સાધુઓને છે. સૌથી પહેલાં તેઓ સ્નાન કરે એ પછી જ કુંભમેળામાં કોઈ પણ શ્રદ્ધાળુ સ્નાન કરી શકે. તો હવે વિચાર એ આવવો જોઈએ કે આવો નિયમ શા માટે? ઇન ફૅક્ટ ખરેખર આવો કોઈ નિયમ છે કે સ્વેચ્છાએ પળાતો રિવાજ છે? કે પછી આ નાગા સાધુઓને આપવામાં આવેલું કોઈ સન્માન છે? ચાલો જાણીએ સનાતન હિન્દુ ધર્મના સૌથી રહસ્યમય અને સૌથી વધુ ઉત્કંઠા જન્માવે એવા નાગા સાધુઓ વિશે.
નાગા એટલે કોણ?
‘નાગા’ શબ્દ વાસ્તવમાં ખૂબ જૂનો છે. મૂળ સંસ્કૃત શબ્દ ‘નગ’ પરથી આવ્યો શબ્દ નાગા. નગનો અર્થ થાય ‘પર્વત’, ‘પહાડ’ અને નગ એટલે પહાડ પર રહેનારા કહેવાય નાગા! ભારતનું ઉત્તર પશ્ચિમનું રાજ્ય નાગાલૅન્ડ યાદ છે? જી, આ રાજ્યનું નામ પણ કંઈક આ જ કારણે પડ્યું છે. જી, તો પહાડો પર રહેતા નાગનો સંબંધ ‘નગ્ન’ શબ્દ સાથે પણ એટલો જ છે અને નાગવંશ પણ ખરો જ. ભારતીય સંસ્કૃતિમાં જ્યારથી બ્રહ્માંડની રચના થઈ ત્યારથી (કદાચ એ પહેલાંથી) દેવોની પણ રચના થઈ. મનુષ્યોની પણ થઈ અને એ જ રીતે નાગવંશ પણ એટલો જ પુરાણો છે.
સનાતન હિન્દુ ધર્મમાં શૈવપંથને અનેક સંન્યાસી પંથો અને પરંપરાઓની શરૂઆતના પંથ તરીકે ગણવામાં આવે છે. ભારતમાં પ્રાચીનકાળથી નાગવંશી, નાગજાતિ અને દસનામી સંપ્રદાય અસ્તિત્વમાં છે. આ બધા વંશ કે પંથ શૈવપંથના સંન્યાસી અને પરંપરાઓથી પ્રેરિત અથવા માનનારા તરીકે ગણાવાય છે. ઉત્તર ભારતમાં ‘નાથ સંપ્રદાય’ છે, ખ્યાલ છે? તેઓ પણ દસનામી સંપ્રદાયના કહેવાય. હાલના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ નાથ સંપ્રદાયના જ સંન્યાસી છે. ‘નાગા’ કે ‘નાગા સાધુ’નો ઉલ્લેખ આવે મતલબ એનો અર્થ હંમેશાં ‘બહાદુર લડાકુ’ તરીકે કરવો એવું તેમનો ઇતિહાસ સાક્ષી પુરાવે છે.
આદિગુરુ શંકરાચાર્ય
આપણને બધાને ખબર છે કે આજે સનાતન હિન્દુ ધર્મ ટકી રહ્યો છે અને એને જે વર્તમાન સ્વરૂપ મળ્યું છે એ માટે આદિગુરુ શંકરાચાર્યનું બહુ મોટું યોગદાન છે. યોગદાન શું કામ, મૂળ પાયો જ તેમણે નાખ્યો હતો એમ કહો. આપણે જાણીએ છીએ એમ શંકરાચાર્યજીનો જન્મ થયો હતો ૮મી સદીના મધ્યમાં. જે સમયે ભારત એક અત્યંત સમૃદ્ધ દેશ હતો, પરંતુ ધર્મથી વિમુખ થતો જઈ રહ્યો હતો. આથી જ ભારતની આર્થિક સંપદા લૂંટવાના આશયથી એક પછી એક આક્રાંતા ભારતમાં પ્રવેશી રહ્યા હતા. જેમાના કેટલાક લૂંટારાઓ સંપત્તિ લૂંટીને પોતાના મુલ્કમાં લઈ જઈ રહ્યા હતા તો કેટલાક વળી ભારતની ભવ્યતા અને સંસ્કૃતિથી આકર્ષાઈને અહીં જ વસવાટ કરવાનો નિર્ણય કરવા માંડ્યા. ટૂંકમાં, આ સમય દરમ્યાન દેશમાં પરિસ્થિતિઓ કંઈક એ રીતે બદલાઈ રહી હતી કે જો એની અખંડતા, સાંસ્કૃતિક સમૃદ્ધિ, સામાજિક શાંતિ-વ્યવસ્થા અને ધર્મ જાળવી રાખવાં હોય તો એ માટે નક્કર પગલાં લેવાં જરૂરી હતાં. કારણ કે ઈશ્વર, ધર્મ, ધર્મશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને સમાજ એ બધી જ બાબતો માટે અનેક પડકારનો સામનો કરવો પડી રહ્યો હતો.
એવા સંજોગોમાં આદિ શંકરાચાર્યજીએ સનાતન ધર્મની પુનર્સ્થાપના માટે કેટલાંક મહત્ત્વનાં, નક્કર અને મોટાં પગલાં ઉઠાવ્યાં, જેમાંનું એક અત્યંત મહત્ત્વનું પગલું એટલે ચાર ખૂણામાં ચાર પીઠોની સ્થાપના. જોકે શંકરાચાર્યજીને લાગ્યું કે માત્ર આધ્યાત્મિક શક્તિઓ દ્વારા આ બધા પડકારનો સામનો કરવો શક્ય નહીં બને. પૂર્ણ રક્ષા માટે અધર્મીઓ સાથે યુદ્ધ હેતુ ધર્મયોદ્ધાઓની પણ જરૂર પડશે. આ વિચાર સાથે તેમણે દરેકને આહ્વાન કર્યું કે તમામ યુવા સાધુઓ વ્યાયામ કરે અને પોતાના શરીરને મજબૂત બનાવે એટલું જ નહીં, તેઓ હથિયાર ચલાવવાનું પ્રશિક્ષણ લે અને એમાં કુશળતા હાંસલ કરે.
એ માટે તેમણે કેટલાક મઠની સ્થાપના કરી. એ મઠમાં વ્યાયામ કરવાથી લઈને શાસ્ત્ર અને શસ્ત્ર એમ બન્નેનું શિક્ષણ આપવામાં આવતું. આદિ ગુરુ શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત આવા દરેક અભ્યાસ માટેના મઠને અખાડા તરીકે ઓળખાવવામાં આવ્યા. આવા દરેક મઠ એટલે કે અખાડામાં ધર્મ, શાસ્ત્ર અને સંન્યાસના અભ્યાસ અને જ્ઞાન સાથે વ્યાયામ અને શસ્ત્રસંચાલનનો પણ અભ્યાસ થતો હતો. એને કારણે દરેક યુવા સાધુ માત્ર સંન્યાસી નહીં, પરંતુ પહેલવાન તરીકે કસરત કરે અને યુદ્ધના દાવપેચ પણ શીખી શકે. ધીરે-ધીરે સમગ્ર ભારતમાં આવા અનેક અખાડા અસ્તિત્વમાં આવ્યા.
ત્યાર બાદ આદિ ગુરુ શંકરાચાર્યજીએ આવા તમામ અખાડાઓને સૂચન કર્યું કે તેઓ ભારત વર્ષનાં દરેક મંદિરો, મઠો અને શ્રદ્ધાળુઓની રક્ષા કરે અને આ રક્ષા દરમ્યાન જરૂર જણાય તો શસ્ત્રપ્રયોગ કરતાં પણ અચકાય નહીં. આ રીતે એ સમયે ભારતવર્ષને વિદેશી અને વિધર્મી આક્રમણકારોથી બચાવવા એક સુરક્ષાકવચ તરીકે આ અખાડાના સાધુઓએ કામ કર્યું.
કુંભમેળો - નાગા સાધુઓ અને શાહી સ્નાન
ભારતવર્ષના મહાન રાજવીઓમાંના એક મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ પર જ્યારે મોહમ્મદ ઘોરીએ પહેલી વાર આક્રમણ કર્યું ત્યારે ઘોરીની સેના કુરુક્ષેત્ર અને તારાવડી વચ્ચે જેટલાં હિન્દુ મંદિરો હતાં એ બધાં તોડી પાડીને લૂંટી લેવાનો પ્રયત્ન કરી રહી હતી. એ સમયે મહારાજ પૃથ્વીરાજની સેના પહોંચે એ પહેલાં નાગા સાધુઓએ કુરુક્ષેત્રમાં ઘોરીની સેનાને ચારે કોરથી ઘેરી લીધી હતી. બન્ને સેનાઓ વચ્ચે જબરદસ્ત યુદ્ધ થયું અને સનાતન ધર્મના એ બાહોશ નાગા સાધુઓએ ઘોરીની સેનાને ભાગવા માટે મજબૂર કરી દીધી. એ સમયે પૃથ્વીરાજ ચૌહાણની સેનાએ ત્યાં પહોંચીને તારાવડીના (જેને તરાઇનના યુદ્ધ તરીકે આપણે ઓળખીએ છીએ) એ યુદ્ધમાં મહારાજની સેનાએ ઘોરીની સેનાનું નિકંદન કાઢી નાખ્યું. ઘોરીને હરાવીને તેને પોતાના મુલ્ક ભાગી જવા મજબૂર કરી દીધો હતો.
આ યુદ્ધના અંતે નાગા સાધુઓના આવા ઉત્કૃષ્ટ યોગદાનને બિરદાવવાના આશયથી, તેમનું સન્માન કરવાની શુભ ભાવના સાથે મહારાજ પૃથ્વીરાજ ચૌહાણે જાહેરાત કરી કે આજથી સનાતન હિન્દુ ધર્મના કુંભમેળામાં સૌથી પહેલાં સ્નાનનો અધિકાર માત્ર નાગા સાધુઓને હશે. નાગા સાધુઓ માત્ર સાધુ નથી, તેઓ ભારતની સનાતન સંસ્કૃતિનું ગૌરવપ્રદ સ્તંભ તરીકે સંરક્ષણ કરી રહ્યા છે એથી પહેલું સ્નાન નાગા સાધુઓ કરશે, ત્યાર બાદ અન્ય શ્રદ્ધાળુઓ. એ દિવસથી દરેક કુંભમેળામાં સૌથી પહેલાં સ્નાનનો અધિકાર નાગા સાધુઓનો જ રહ્યો છે. અર્થાત્, આ કોઈ નિયમ-કાનૂન નહીં પરંતુ સનાતન ધર્મના સિંહોને અપાયેલું અદકેરું સન્માન છે.
ધર્મની સુરક્ષા અને યુદ્ધ
જ્યારે-જ્યારે અને જ્યાં-જ્યાં વિદેશી કે વિધર્મીઓ દ્વારા આક્રમણ થતું ત્યારે-ત્યારે, ત્યાં-ત્યાં આ નાગા યોદ્ધાઓ સુરક્ષા માટે પહોંચી જતા. આ રીતે ભારતનાં અનેક ઐતિહાસિક યુદ્ધોમાં નાગા સાધુઓએ ન માત્ર ભાગ લીધો, પરંતુ અનેક રાજાઓનાં રાજ્ય, સનાતન ધર્મ અને સંસ્કૃતિનો બચાવ પણ કર્યો.
કટ્ટર ઇસ્લામિક સુલતાન તૈમુર યાદ છેને? દિલ્હીને લૂંટી લીધા બાદ તૈમુર હરિદ્વાર લૂંટી લેવાની મંશા સાથે જ્યારે કૂચ કરી રહ્યો હતો ત્યારે હરિદ્વાર પહેલાં આવતા જ્વાલાપુરમાં નાગા સાધુઓએ તૈમુર સાથે એટલું ભયંકર યુદ્ધ કર્યું કે તૈમુર ત્યાંથી ભાગી છૂટવા મજબૂર થઈ ગયો. તૈમુર પર થયેલા એ આત્મઘાતી હુમલા પછી બીજા અનેક આક્રાંતા અને લૂંટારુ સુલતાનો એવા ગભરાઈ ગયા કે તેઓ બધા ડરના માર્યા ભૂગર્ભમાં છુપાઈ ગયા. એ જ સમયગાળા દરમ્યાન રાજા જોગરાજ સિંહ ગુર્જર, હરાવી જાટ, રામપ્યારીજી, ધુલાઘાડી જેવા રાજવીઓ સાથે મળી નાગા યોદ્ધાઓએ તૈમુરને ભારતથી ભાગી જવા માટે મજબૂર કરી મૂક્યો અને તૈમુરે ભારત છોડીને ભાગવું પડ્યું હતું!
આ જ રીતે નાગા સાધુઓની બીજી એક સાહસગાથા ખીલજીના સમયની પણ છે. આપણે જાણીએ છીએ કે નાથ સંપ્રદાય એ નાગા સાધુઓનો જ એક સંપ્રદાય છે. ઉત્તર પ્રદેશના હાલના પ્રધાનસેવક એવા યોગી આદિત્યનાથજી પણ આ જ નાથ સંપ્રદાયના સાધુ છે. જ્યારે ખીલજી ભારતની ધરતી પર આક્રમણ કરી રહ્યો હતો અને દેશ, સમાજ અને રાજવીઓ સાથે મંદિરોને પણ લૂંટી-લૂંટીને તોડફોડ કરી રહ્યો હતો ત્યારે નાથ સંપ્રદાયના નાગા સાધુઓ તેની સાથે જબરદસ્ત યુદ્ધ ખેલ્યા હતા. અહમદશાહ અબ્દાલીના આક્રમણને કારણે જ્યારે પાણીપતના યુદ્ધમાં બાહોશ મરાઠા સેનાએ હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વૃંદાવન, મથુરા અને ગોકુળની રક્ષા માટે ૪૦,૦૦૦ જેટલા નાગા સાધુ યોદ્ધાઓએ અબ્દાલી સાથે ટક્કરમાં ઊતરીને યુદ્ધમાં કેસરિયા કર્યા હતા. અબ્દાલીને ન માત્ર એ યુદ્ધ છોડીને ભાગવાની ફરજ પડી બલકે તેણે મંદિરો લૂંટવાની મેલી મુરાદ પણ પડતી મૂકવી પડી હતી. ત્યાર બાદ પાણીપતની એ હારનો બદલો લેવા માટે પેશવા માધવરાવે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે પણ એ નાગા સાધુઓ જ હતા જેમણે યુદ્ધની સ્ટ્રૅટેજી અંતર્ગત માધવરાવને મદદ કરી અને જેટલા પણ અબ્દાલીના સ્થાનિક મદદગારો હતા એ બધાને મૃત્યુને શરણે પહોંચાડી દીધા હતા. આ રીતે નાગા સાધુઓ સનાતન ધર્મના માત્ર ઉપાસક જ નહીં પરંતુ રક્ષક પણ હતા. વિડંબના એ છે કે આ ભવ્ય ઇતિહાસ આપણાં બાળકોને ભણાવવામાં જ નથી આવતો. ધર્મ અને સંસ્કૃતિ સામે હિન્દુઓની આખી સામાજિક સંસ્કૃતિના સંરક્ષક તરીકે તેઓ વર્ષો સુધી યુદ્ધો ખેલ્યા છે. જ્યારે વાસ્તવમાં આ સાધુઓ સાંસારિક જીવન ભોગવતા નથી. કેવી અચંબિત કરનારી વાત છે કે સંસારી સુખ અને વૈભવથી દૂર રહીને માત્ર ધર્મ માટે જીવતો આ મહાન સાધુવર્ગ સામાન્ય દિવસો દરમ્યાન ક્યાં ચાલ્યો જાય છે અને ક્યાં રહે છે એની કોઈને ઝાઝી ખબર પણ નથી, પરંતુ કુંભમેળા દરમ્યાન આ સાધુઓના કંઈકેટલાય કાફલા કુંભમાં દેખા દે છે. આખી વાતમાં એ તો ક્યાંય આવ્યું નહીં કે કુંભમેળામાં સૌથી પહેલું શાહી સ્નાન નાગા સાધુઓ જ કરે એવો અધિકાર શા માટે? એના જવાબ માટે આ સિંહોની મહાન શૂરાતન ગાથાનો ઉલ્લેખ કરવો પડે.
સમાજમાં નાગા સાધુઓના યોગદાનની યશોગાથા હજી ઘણી લાંબી છે. સનાતન ધર્મમાં આ વિવિધ અખાડાના સાધુઓના મહત્ત્વ વિશેની વાત કરીશું આવતા રવિવારે.