અંધેરી પોલીસને મોબાઇલ ચોરીનો એક કેસ સૉલ્વ કરવા જતાં લૉટરી લાગી ગઈ હતી અને એક મહત્ત્વનો આરોપી પકડાઈ જતાં ચોરાયેલા ૧૨૦ મોબાઇલ મળી આવ્યા હતા અને આમ ચોરીના ૧૨૦ કેસ સૉલ્વ થઈ ગયા હતા
પકડાયેલા આરોપીઓ પાસેથી અંધેરી પોલીસે ૧૨૦ મોબાઇલ હસ્તગત કર્યા હતા.
અંધેરી પોલીસને મોબાઇલ ચોરીનો એક કેસ સૉલ્વ કરવા જતાં લૉટરી લાગી ગઈ હતી અને એક મહત્ત્વનો આરોપી પકડાઈ જતાં ચોરાયેલા ૧૨૦ મોબાઇલ મળી આવ્યા હતા અને આમ ચોરીના ૧૨૦ કેસ સૉલ્વ થઈ ગયા હતા. તે ભેજાબાજ ચોરેલા મોબાઇલના પાર્ટ્સ કાઢીને વેચતો હતો.
આ કેસના ફરિયાદીએ અંધેરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે ૩૧ ડિસેમ્બરે તે અંધેરી-ઈસ્ટમાં સ્ટેશન સામે આગરકર ચોક પાસે આવેલી પ્રસાદમ હોટેલ પાસેથી મોબાઇલ પર વાત કરતો-કરતો પસાર થઈ રહ્યો હતો ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે યુવાનોએ તેનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને નાસી ગયા હતા. અંધેરી પોલીસે ચોરીનો ગુનો નોંધીને કેસની તપાસ ચાલુ કરી હતી.
ADVERTISEMENT
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) કિશોર પરકાળે અને તેમની ટીમે એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં તેમને બે આરોપીઓની તસવીર મળી હતી. આ બાબતે તપાસ કરીને અંધેરી-ઈસ્ટના માલપા ડોંગરી વિસ્તારમાંથી ૩૧ વર્ષના પ્રસાદ સીતારામ ગુરવ અને ૨૭ વર્ષના વિવિક ઓમપ્રકાશ ઉપાધ્યાયને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં તેમણે કહ્યું કે એ ચોરેલો મોબાઇલ તેમણે ગુંદવલીમાં રહેતા ૩૪ વર્ષના રવિ બાબુ વાઘેલાને વેચ્યો હતો. એથી પોલીસે રવિ વાઘેલાને ઝડપ્યો હતો. તેની પાસેથી ચોરીના કુલ ૯,૧૮,૩૦૦ રૂપિયાની કિંમતના ૧૨૦ મોબાઇલ મળી આવ્યા હતા. આમ એક કેસ સૉલ્વ કરતા જતાં ૧૨૦ મોબાઇલ-ચોરીના કેસ સૉલ્વ થઈ ગયા હતા.
કેસ સૉલ્વ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર PSI કિશોર પરકાળેએ આ સંદર્ભે વધુ માહિતી આપતાં ‘મિડ-ડ’ને કહ્યું હતું કે ‘ફરિયાદી પાસેથી મોબાઇલ ઝૂંટવી લેનાર પ્રસાદ અને વિવેક નશો કરે છે, ડ્રગ્સ લે છે. તેઓ ડ્ર્ગ્સ લેવા પૈસા ઊભા કરવા માટે ચોરી કરતા હતા. તેઓ ચોરેલો મોબાઇલ રવિ વાઘેલાને વેચી દેતા હતા. રવિ વાઘેલા મૂળ રાજસ્થાનનો છે અને અહીં ભાડાની રૂમમાં રહે છે. તે ચોરેલા મોબાઇલ આ લોકો પાસેથી સસ્તામાં લઈ લે છે. ૧૦થી ૧૫ હજારનો મોબાઇલ તે ૧૦૦૦-૧૫૦૦ રૂપિયામાં લઈ લે છે. ત્યાર બાદ તે મોબાઇલનાં ડિસ્પ્લે, મધરબોર્ડ એમ અલગ-અલગ પાર્ટ કાઢીને વેચે છે, આ જ તેનો ધંધો છે. અમે તેની પાસેથી ૧૨૦ મોબાઇલ પાછા મેળવ્યા છે, જે બધા જ ચાલુ કન્ડિશનમાં છે. એમના ઇન્ટરનૅશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) નંબર ચાલુ છે. તેની પાસેથી મળેલા આ મોબાઇલ તેમના ઓરિજિનલ માલિકોને પાછા આપવામાં આવશે.’