મુંબઈના સામાજિક અગ્રણી રમેશ મોરબિયા મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક : ભુજવાસીઓ વિનામૂલ્ય માણશે વાનગીઓનો રસાસ્વાદ
પ્રતીકાત્મક તસવીર
કચ્છના ભુજમાં છેલ્લાં ૧૦ વર્ષથી કાર્યરત લાયન્સ ક્લબ ઑફ ભુજ કચ્છ સાઇટ ફર્સ્ટ એકમાત્ર એવી ક્લબ છે જેના બધા જ મેમ્બરો જોઈ નથી શકતા અથવા આંશિક રીતે જ જોઈ શકે છે. પોતાના દરેક કામ સ્વતંત્ર રીતે કરતા ડૉક્ટર, ટીચર, બિઝનેસમૅન તરીકે કાર્યરત ૨૦ જેટલા આ મેમ્બરો સેરિબલ પૉલ્ઝી અને ઑટિઝમ ધરાવતાં બાળકોની નિ:શુલ્ક સારવાર કરે છે અને પુનર્વસન માટે સેવા આપે છે. પોતાના સેવાના ઉદ્દેશ્યને પાર પાડવા તેઓ ફન્ડરેઇઝિંગ માટે એક અનોખી ઇવેન્ટ છેલ્લાં ૯ વર્ષથી કરે છે.
આજે સાંજે પાંચ વાગ્યે ભુજ હાટમાં અનોખો સ્વાદનો ઉત્સવ ઊજવાશે જેમાં ગુજરાતભરમાંથી જોઈ ન શકતી પંચાવન જેટલી મહિલાઓ ભાગ લેશે અને પોતાના હાથે સ્વાદિષ્ટ ફરસાણ, મિષ્ટાન્ન, ચાટ, દેશી રોટલો, ઓળો, સાઉથ ઇન્ડિયન, નૉર્થ ઇન્ડિયન, સૂપથી લઈને ડિઝર્ટ સુધીની પાંત્રીસથી વધુ વિવિધ વાનગીઓનો રસથાળ બનાવશે અને દરેક ભુજવાસી આ વાનગીઓનો રસાસ્વાદ વિનામૂલ્ય માણી શકશે. આ અનોખા ફૂડ-ફેસ્ટિવલને ‘સંવેદનાનો સ્વાદોત્સવ’ નામ આપવામાં આવ્યું છે. મુંબઈના સામાજિક અગ્રણી રમેશ મોરબિયા આ ઇવેન્ટના મુખ્ય મહેમાન છે અને તેમના હસ્તે જ સ્વાદોત્સવનું ઉદ્ઘાટન થશે.
ADVERTISEMENT
લાયન્સ ક્લબ ઑફ ભુજ કચ્છ સાઇટ ફર્સ્ટના ચૅરમૅન લાયન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા ટ્રસ્ટ અને શ્રીમતી માલિની કિશોર સંઘવી ફાઉન્ડેશનના સતત સાથ સહકાર અને આર્થિક સહાયથી અમારી સંસ્થા પોતાનાં સેવા-કાર્યોનો વ્યાપ વિસ્તારી રહી છે અને તેમના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વાદોત્સવમાં એક મહિલા ૧૫ કિલોગ્રામ જેટલી વાનગી બનાવશે, કુલ ૪૦૦ કિલોગ્રામથી વધુ વાનગીઓ બનશે. આ બહેનો આંશિક રીતે જ જોઈ શકે છે અને બખૂબી પોતાનાં કાર્યો કરે છે. તેઓ ઘર, પરિવાર, નોકરી બધું જ સંભાળે છે. અમે દરેક સ્ટૉલ પાસે બૅનર પર વાનગી બનાવનાર બહેનનું નામ, શહેર અને તેઓ શું કાર્ય કરે છે એ લખીશું જેથી જાહેર જનતાને ખાસ સંદેશ મળે અને સમાજમાં જાગૃતિ આવે કે જોઈ ન શકતી વ્યક્તિઓ પણ દરેક કામ કરવા સક્ષમ છે અને બધું જ કરી શકે છે. આ ઇવેન્ટમાં બધાને જ ફ્રી એન્ટ્રી છે અને તમામ વાનગીઓનો સ્વાદ પણ નિ:શુલ્ક માણી શકાશે. ૧૫૦૦થી ૨૦૦૦ ભુજવાસીઓ આ અનેરા ઉત્સવમાં પધારશે. આ ઇવેન્ટમાં દાતાઓ તરફથી મળેલું દાન અને જાહેર જનતા તરફથી જે ડોનેશન મળશે એ ફન્ડનો ઉપયોગ સેરિબ્રલ પૉલ્ઝી અને ઑટિઝમ ધરાવતાં બાળકોની નિ:શુલ્ક સારવાર અને રીહૅબિલિટેશન માટે કરવામાં આવશે.’