નિર્ભયા પથકની ટીમે બાળકને બે કલાકમાં જ શોધીને તેનાં મમ્મી-પપ્પા સાથે મિલન કરાવવામાં સફળતા મેળવી હતી
ચિરાગનગરમાંથી ગુમ થયેલો આયુષ હલવાઈ તેનાં મમ્મી-પપ્પા અને ઘાટકોપર પોલીસની નિર્ભયા પથકની ટીમ સાથે
ઘાટકોપર-વેસ્ટના ચિરાનગરની યુપી હોટેલ પાસે રહેતો ૪ વર્ષનો આયુષ મોદનવાલ ગઈ કાલે સાંજના ૪ વાગ્યાની આસપાસ ઘર પાસે રમતાં-રમતાં ગુમ થઈ ગયો હતો. જોકે નિર્ભયા પથકની ટીમે બાળકને બે કલાકમાં જ શોધીને તેનાં મમ્મી-પપ્પા સાથે મિલન કરાવવામાં સફળતા મેળવી હતી.
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ જાધવે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આયુષના પરિવારને તે ગુમ થયો હોવાની ખબર પડતાં જ ચારે બાજુ દોડાદોડી શરૂ કરી દીધી હતી. ત્યાર પછી પણ આયુષ ન મળતાં આયુષની દાદી રંજના હલવાઈએ પોલીસ-સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદ મળતાં અમારી નિર્ભયા પથકની મહિલા ટીમે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આયુષને શોધવાની શરૂઆત કરી હતી. તેમણે ચિરાગનગર, આઝાદનગર અને આસપાસના વિસ્તારોમાં આયુષની શોધખોળ કરીને ફરિયાદના બે કલાકમાં જ તેને શોધી કાઢીને તેની દાદી રંજના હલવાઈને સોંપી દીધો હતો.’


