હવેથી બિલ્ડર અને ડેવલપર કન્સ્ટ્રક્શન-સાઇટ પર જો પૉલ્યુશનને લગતા નિયમો નહીં પાળે તો આવી ઍક્શન લેવાશે, નજર રાખવા માટે દરેક વૉર્ડમાં BMCની સ્ક્વૉડ
બાંદરા-ઈસ્ટના એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ઍર-પૉલ્યુશન માપવા માટેનું ડિજિટલ મૉનિટર. તસવીરો : નિમેશ દવે.
દિવાળી અને એની આસપાસના સમયમાં ફટાકડાના કારણે તો ઍર-પૉલ્યુશન વધે જ છે, પણ દિવાળી પછી કન્સ્ટ્રક્શનની ઍક્ટિવિટીઓ પણ ચાલુ થઈ જતી હોવાથી ઍર-પૉલ્યુશન ખૂબ વધી જતું હોય છે. એથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બિલ્ડર્સ અને ડેવલપર્સને તેમની સાઇટ પર બહુ ધૂળ અને સિમેન્ટ ન ઊડે એ માટે પગલાં લેવાનું કહ્યું છે એટલું જ નહીં, કન્સ્ટ્રક્શનની દરેક સાઇટ પર એક મહિનામાં સેન્સર-બેઝ્ડ પૉલ્યુશન મૉનિટરિંગ સ્ટેશન બેસાડવા કહ્યું છે. આટલેથી ન અટકતાં બિલ્ડર્સ અને ડેવલપર્સ ઍર-પૉલ્યુશન ઓછું થાય એ માટેની ગાઇડલાઇન ફૉલો કરી રહ્યા છે કે નહીં એ જાણવા હવે BMCના વૉર્ડ લેવલે ઑફિસરોની ટીમ તેમના વિસ્તારમાં ફરીને અન્ડર-કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લઈ રહી છે. વળી જે સાઇટ પર ગાઇડલાઇન ફૉલો ન થતી હોવાનું જણાઈ આવશે તેમને શો કૉઝ અને સ્ટૉપ વર્કની નોટિસ આપવામાં આવી રહી છે. આ માટે BMCએ સપ્ટેમ્બર મહિનામાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને ૩૯ સ્ટૉપ વર્કની અને ૨૭૫ શો કૉઝ નોટિસ આપવામાં આવી છે. દિવાળી પછી હવે BMC આ બાબતે વધુ ચાંપતાં પગલાં લઈ રહી છે.


