વિરારની ક્લબના મૅનેજર અને બે કોચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, થોડી વાર પછી ધ્રુવની ડેડ-બૉડી પાણી પર તરવા લાગી ત્યારે તેની મદદે ગાર્ડ દોડ્યા હતા. નિયમ મુજબ લાઇફગાર્ડે પૂલની પાસે હાજર રહેવું જરૂરી હોય છે છતાં ત્યાં કોઈ જ સિક્યૉરિટી નહોતી,
પ્રતીકાત્મક તસવીર
વિરાર-વેસ્ટના યશવંતનગર વિસ્તારમાં આવેલા અમેય ક્લાસિક ક્લબના સ્વિમિંગ-પૂલમાં ચારેક વર્ષનું બાળક ડૂબી ગયું હતું એ કેસમાં પ્રોટોકૉલની અવગણના કરવા બદલ બોલિંજ પોલીસે ક્લબના મૅનેજર પ્રવીણ ઝરે અને સ્વિમિંગ-કોચ કૌસ્તુભ મેહેર તથા હર્ષ શેટ્ટી વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે.
પોલીસે આપેલી માહિતી મુજબ મંગળવારે સાંજે ૪.૩૦ વાગ્યે ૩ વર્ષ ૧૦ મહિનાનો ધ્રુવ બિષ્ટ તેની મમ્મી સાથે સ્વિમિંગ-કોચિંગ માટે અમેય ક્લબમાં પહોંચ્યો હતો. સ્વિમિંગ કરતી વખતે અચાનક તેની મમ્મીને ધ્રુવ ન દેખાતાં તેણે કોચને પૂછ્યું હતું ત્યારે કોચે ધ્રુવ બાથરૂમમાં ગયો હશે એવો જવાબ આપ્યો હતો. થોડી વાર પછી ધ્રુવની ડેડ-બૉડી પાણી પર તરવા લાગી ત્યારે તેની મદદે ગાર્ડ દોડ્યા હતા. નિયમ મુજબ લાઇફગાર્ડે પૂલની પાસે હાજર રહેવું જરૂરી હોય છે છતાં ત્યાં કોઈ જ સિક્યૉરિટી નહોતી, ગાર્ડ ક્લબમાં ઉપર હતા એમ પોલીસે અગાઉ જણાવ્યું હતું. ધ્રુવના મૃત્યુ માટે કોણ જવાબદાર છે એ જાણવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


