બે વર્ષમાં તૈયાર થનારા ૬ માળના બિલ્ડિંગમાં ૩૨૯ બેઠકોનું ઑડિટોરિયમ અને બૅડ્મિન્ટન કોર્ટ હશે : હેડક્વૉર્ટરની સામે જ બનશે નવું બિલ્ડિંગ : જિમ્નેશિયમ, ઇન્ડોર ગેમ્સ અને ૪૦ વાહનોનાં પાર્કિંગની સુવિધા
નવો કૉર્પોરેશન હૉલ
ગુરુવારે યોજાયેલી સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વહીવટી તંત્રએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સામે આવેલા હેડક્વૉર્ટરની બરાબર સામેના પ્લૉટ પર નવો કૉર્પોરેશન હૉલ બનાવવાનો પ્લાન રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ અંદાજે ૪૪ કરોડ રૂપિયાના ખર્ચે બે વર્ષમાં તૈયાર થશે.
૬ માળના આ પ્રસ્તાવિત બિલ્ડિંગમાં ૩૨૯ બેઠકો ધરાવતું અત્યાધુનિક ઑડિટોરિયમ હશે જેની ક્ષમતા ભવિષ્યમાં ૩૫૦ નગરસેવકો સુધી વધારી શકાશે. હાલમાં BMCમાં ૨૨૭ ચૂંટાયેલા અને ૧૦ નિયુક્ત એમ કુલ ૨૩૭ નગરસેવકો છે. ભવિષ્યમાં સભ્યોની સંખ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ જોગવાઈ કરાઈ છે.
ADVERTISEMENT
અંદાજે ૯૪૩.૯૧ સ્ક્વેર મીટરના પ્લૉટ પર ૩૧.૯૦ મીટર ઊંચા આ બિલ્ડિંગનું બાંધકામ થશે. આર્કિટેક્ચરલ પ્રેઝન્ટેશન અનુસાર બિલ્ડિંગના બેઝમેન્ટ અને પહેલા પોડિયમ લેવલ પર પાર્કિંગની સુવિધા હશે, જ્યારે બીજા પોડિયમ પર પાર્કિંગની સાથે બૅડ્મિન્ટન કોર્ટ બનાવવામાં આવશે.
આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રન્સ લૉબી અને ગૅલરી હૉલ હશે, જ્યારે ત્રીજો માળ જિમ્નેશિયમ અને ઇન્ડોર ગેમ્સ માટે અનામત રખાયો છે. ચોથા માળે રિસેપ્શન, વેઇટિંગ એરિયા, કૉન્ફરન્સ રૂમ, ઑફિસો, ડાઇનિંગ એરિયા અને ઓપન કૅફેટેરિયાની સુવિધા ઊભી કરાશે. પાંચમા અને છઠ્ઠા માળ પર મુખ્ય ઑડિટોરિયમ હશે જેમાં ગૃહની કાર્યવાહીના કવરેજ માટે મીડિયા ગૅલરી પણ બનાવવામાં આવશે.
કૉન્ગ્રેસને કૉર્પોરેશન હૉલનું આયોજન નબળું લાગે છે
આ પ્રોજેક્ટ સામે કેટલાક સવાલો પણ ઊભા થયા છે. કૉન્ગ્રેસના નગરસેવક અશરફ આઝમીએ જણાવ્યું હતું કે ‘આ ઇમારત ઓછાંમાં ઓછાં આગામી ૧૦૦ વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને બનવી જોઈએ અને નવા હૉલમાં ૩૫૦ કરતાં વધુ નગરસેવકો બેસી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. વળી, નીચેથી મેટ્રો લાઇન પસાર થતી હોવાથી અને આસપાસ ઘણી હેરિટેજ ઇમારતો હોવાથી બાંધકામ દરમ્યાન BMCએ વિશેષ સાવચેતી રાખવી પડશે.’
આ ઉપરાંત પાર્કિંગની સુવિધા પણ ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ડેવલપમેન્ટના નિયમો મુજબ અહીં ૧૦૯ વાહનોનાં પાર્કિંગની જરૂરિયાત સામે પ્લાનમાં માત્ર ૪૦ વાહનોનાં પાર્કિંગની જ જોગવાઈ કરવામાં આવી છે.
