નંદુરબારનો યુવક TCનાં કપડાં પર આઇ-કાર્ડ લટકાવીને વિવિધ રેલવે-સ્ટેશનોએ ટિકિટ વિનાના પ્રવાસીઓ પાસેથી પૈસા પડાવતો
પ્રતીકાત્મક તસવીર
વડાલા રેલવે-સ્ટેશને ટિકિટચેકર (TC)નાં કપડાં પહેરીને અને ગળામાં આઇ-કાર્ડ લટકાવીને ટિકિટ વિનાના પ્રવાસીઓ પાસે રૂપિયા પડાવતા ૨૫ વર્ષના અમોલ ગોડલેની વડાલાની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ધરપકડ કરી છે. મૂળ નંદુરબારમાં રહેતા અમોલે મુંબઈનાં વિવિધ રેલવે-સ્ટેશનોએ TCનાં કપડાં પહેરીને પ્રવાસીઓ સાથે પતાવટ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મંગળવારે સવારે અમોલે વડાલા રેલવે-સ્ટેશને CSMT તરફના પ્રથમ બ્રિજ પર અમુક પ્રવાસીને અટકાવીને તેમની સાથે પતાવટ કરી હતી એમાંના એક પ્રવાસીને અમોલ પર શંકા જતાં તેણે ઘટનાની જાણ TC ઑફિસમાં કરી હતી. ત્યાર બાદ હાજર TCએ પૂછપરછ કરતાં અમોલ પકડાઈ ગયો હતો.
વડાલા GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે ૧૧ વાગ્યે બ્રિજ પર ૨૫થી ૩૦ પ્રવાસીઓને અટકાવીને એ TCએ તેમની ટિકિટ ચેક કરી હતી. એમાં ૭-૮ લોકો પાસે ટિકિટ નહોતી અને અમુક પ્રવાસી પાસે લગેજ-ટિકિટ ન હોવાથી તેઓ પાસે દંડરૂપે પૈસા પડાવ્યા હતા પણ તેમને રિસીટ નહોતી આપી. એ ઉપરાંત એક-બે પ્રવાસી પાસેથી ઑનલાઇન પેમેન્ટ પણ લીધું હતું. જોકે એ વખતે એક કૉલેજ-સ્ટુડન્ટને TC પર શંકા જતાં તેણે વડાલાના પ્લૅટફૉર્મ-નંબર એક પરની TC-ઑફિસમાં જાણ કરી ત્યારે સિનિયર TC લતા ભગતે જઈને તેની પૂછપરછ કરી ત્યારે TCના કપડામાં ઊભેલા યુવકે ગળામાં પહેરેલું પોતાનું આઇ-કાર્ડ બતાવ્યું હતું જે ડિટ્ટો TCના આઇ-કાર્ડ જેવું હતું. એ પછી આઇ-કાર્ડ પર લખેલી બાબતો પર શંકા જતાં તેની હેડ ઑફિસમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે યુવકે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી અમોલની ધરપકડ કરી હતી. અમોલે મુંબઈનાં બીજાં રેલવે-સ્ટેશનો પર પણ આ રીતે છેતરપિંડી કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.’


