બૉમ્બે હાઈ કોર્ટે પિટિશન ફગાવીને ભયજનક ગણાતા બિલ્ડિંગના રીડેવલપમેન્ટને રોકવા બદલ પિટિશન કરનારા આઠ ભાડૂતોને બે-બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મલાડ-વેસ્ટમાં આવેલા કૃષ્ણબાગ બિલ્ડિંગ-૧ને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ C1 કૅટેગરી એટલે કે રહેવા માટે ભયજનક અને તાત્કાલિક પાડી નાખવું પડે એવું બિલ્ડિંગ જાહેર કર્યું હતું. એની વિરુદ્ધ બિલ્ડિંગમાં રહેતા ભાડૂતોએ બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન કરી હતી. બૉમ્બે હાઈ કોર્ટે પિટિશન ફગાવીને ભયજનક ગણાતા બિલ્ડિંગના રીડેવલપમેન્ટને રોકવા બદલ પિટિશન કરનારા આઠ ભાડૂતોને બે-બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
૧૦૦ વર્ષ જૂના આ જર્જરિત બિલ્ડિંગને ૨૦૨૦ના ઑક્ટોબર મહિનામાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસને અવગણીને અહીં ભાડેથી રહેતા લોકોએ બિલ્ડિંગ ખાલી કરવાની ના પાડી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૨૩માં ફરીથી BMCએ બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ આપી હતી, જેને ભાડૂતોએ બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારી હતી. તેમનું કહેવું છે કે બિલ્ડિંગને C1ને બદલે C2-B કૅટેગરીનું એટલે કે બિલ્ડિંગનું સમારકામ થઈ શકે એવી કૅટેગરીનું બિલ્ડિંગ જાહેર કરવું જોઈએ.
ADVERTISEMENT
બીજી પિટિશન મકાનમાલિકોએ કરી હતી જેઓ બિલ્ડિંગ તોડી પાડવા માગતા હતા. આ પિટિશનના જવાબમાં બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે બિલ્ડિંગની હાલત ગમે એવી હોય પણ મકાનમાલિકને બિલ્ડિંગ તોડવાનો પૂરો હક છે.
ભાડૂતોએ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે છ અઠવાડિયાં સુધી આ ચુકાદા પર સ્ટે મૂકવાની માગણી કરી હતી જે કોર્ટે સ્વીકારી નથી તેમ જ તમામ ભાડૂતોને ચાર અઠવાડિયાંમાં દંડના બે લાખ રૂપિયા આર્મ્ડ ફોર્સિસ બૅટલ કૅઝ્યુઅલ્ટીઝ વેલ્ફેર ફન્ડમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
ભિવંડીને લૉજિસ્ટિક હબ બનાવવા ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવાશે
ભિવંડી શહેર અને આસપાસના વિસ્તારમાં લૉજિસ્ટિક ઉદ્યોગનો વિકાસ કરવો જરૂરી છે. એનાથી રોજગારની અનેક તકો ઊભી થશે. આખા એશિયા ખંડમાં સૌથી સારા લૉજિસ્ટિક હબ બનાવી શકાય એવી ક્ષમતા ભિવંડી શહેર અને આજુબાજુના વિસ્તારોમાં છે. એથી અહીંના લૉજિસ્ટિક હબનો સુનિયોજિત વિકાસ કરવા ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરવામાં આવશે એમ ગઈ કાલે વિધાનસભાના મૉન્સૂન સત્રમાં ગઈ કાલે રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું હતું. એ સમિતિ જે અહેવાલ આપશે એમની ભલામણોના આધારે પૉલિસી નક્કી કરાશે. એ માટે આ વિસ્તારના લોકપ્રતિનિધિઓએ પણ આગેવાની લેવી અને લૉજિસ્ટિક હબ બનાવવામાં સહકાર આપવો એમ ઉદય સામંતે કહ્યું હતું.

