પ્રસાદ વેચનારાઓએ પ્રસાદના બૉક્સ પર પોતાનું નામ અને ફોન-નંબર લખવાનું ફરજિયાત છે. પ્રસાદમાં ભેળસેળ કરનારાઓને બક્ષવામાં નહીં આવે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હનુમાનગઢી મંદિર
અયોધ્યાના પ્રખ્યાત હનુમાનગઢી મંદિરમાં ચડાવવામાં આવતા લાડુના પ્રસાદમાં થતી ભેળસેળને અટકાવવા મંદિર પ્રશાસને એક નવો નિર્ણય લીધો છે. આ વિશે જાહેર કરવામાં આવેલા નવા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે લાડુ વેચનારાઓએ પ્રસાદનાં બધાં બૉક્સ પર પોતાનું નામ અને ફોન-નંબર લખવો જરૂરી હશે. મંદિરમાં ફક્ત એ જ પ્રસાદનાં બૉક્સ સ્વીકારવામાં આવશે જેના બૉક્સ પર આ માહિતી આપવામાં આવી હશે.
સોમવારે આ સંદર્ભે લાડુ વેચનારાઓ અને હનુમાનગઢીના સંતો વચ્ચે યોજાયેલી બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મંદિરમાં બજરંગબલીને ફક્ત શુદ્ધ દેશી ઘીથી બનેલો પ્રસાદ જ ચડાવવામાં આવશે. પ્રસાદ વેચનારાઓએ પ્રસાદના બૉક્સ પર પોતાનું નામ અને ફોન-નંબર લખવાનું ફરજિયાત છે. પ્રસાદમાં ભેળસેળ કરનારાઓને બક્ષવામાં નહીં આવે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભેળસેળ રોકવા માટે હનુમાનગઢી મંદિર અને વેપારીઓ વચ્ચે આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે જે ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. પ્રસાદ બનાવતા દરેક વેપારીએ પોતાનો લોગો બનાવવો પડશે, જેની સાથે દુકાનનું નામ અને માલિકનું નામ પણ લખવું પડશે. આમ કરવાથી પ્રસાદ ક્યાં અને કેવી રીતે બનાવવામાં આવ્યો છે એ ઓળખવાનું સરળ બનશે.

