રસ્તા પર અતિક્રમણના મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટે BMCને કટાક્ષ કરતાં કહ્યું...
બૉમ્બે હાઈ કોર્ટ
અતિક્રમણ હટાવવાને બદલે BMC અતિક્રમણ કરનારાને છાવરે છે એવો કોર્ટનો સવાલ
મુંબઈના રસ્તાઓ પર વધી ગયેલા અતિક્રમણને ગંભીર પરિસ્થિતિ ગણાવીને બૉમ્બે હાઈ કોર્ટે કટાક્ષ કરતાં કહ્યું હતું કે ભવિષ્યમાં મુંબઈગરાએ સાઇકલ અને ઘોડા પર સવારી કરવી પડશે.
જસ્ટિસ રવિન્દ્ર ઘુગે અને અભય મંત્રીની બેન્ચે ચિંતા વ્યક્ત કરી હતી કે ગેરકાયદે અતિક્રમણને નિયંત્રણમાં રાખવામાં નહીં આવે તો આવનારા બે દાયકામાં મુંબઈનું શું થશે?
ADVERTISEMENT
સિવિક બૉડીને ફટકાર લગાવતાં કોર્ટે કહ્યું હતું કે ‘કૉર્પોરેશન પાવરલેસ લાગે છે. અતિક્રમણ દૂર કરવાની એનામાં હિંમત ન હોય એવું લાગી રહ્યું છે. અતિક્રમણ કર્યું હોય ત્યાં પાણી અને ટૉઇલેટની સુવિધા અપાતી હોય એ જોઈને લાગે છે BMC જ આવા લોકોને છાવરે છે.’
કોર્ટે ઉમેર્યું હતું કે જો અતિક્રમણને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં લોકોને રસ્તાઓ પર ફક્ત ટૂ-વ્હીલર, સાઇકલ અથવા ઘોડાનો ઉપયોગ કરવાની ફરજ પડશે.
પવઈની એક સ્કૂલ દ્વારા કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી, જેમાં સ્કૂલની આસપાસના વિસ્તારોના અતિક્રમણ સામે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પગલાં લેવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
બેન્ચે ટ્રાફિક જૅમના મુદ્દે પણ ધ્યાન દોર્યું હતું કે ‘અતિક્રમણને લીધે બધે જ રસ્તાઓ એક કે બે લેનના થઈ ગયા છે. પછી ટ્રાફિક જૅમ થાય છે. કાર કરતાં ચાલીને જલદી પહોંચાય એવી સ્થિતિ થઈ ગઈ છે.’
કોર્ટે શુક્રવારે સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
મુંબઈને અતિક્રમણમુક્ત, ખાડામુક્ત અને ડ્રગ્સમુક્ત બનાવવાની સરકારની તૈયારી
ગેરકાયદે બંગલાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો કમિશનર ભૂષણ ગગરાણીને નિર્દેશ
મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગેરકાયદે રહેતા બંગલાદેશીઓને ઓળખીને દેશમાંથી બહાર મોકલવાની કાર્યવાહીએ જોર પકડ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણી અને અન્ય સંબંધિત અધિકારીઓને ગેરકાયદે બંગલાદેશીઓ વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ કમિટી (DPDC)ની બેઠકમાં એકનાથ શિંદેએ આ નિર્દેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી અને પોલીસને ગેરકાયદે બંગલાદેશીઓની ઓળખ કરવા કહેવામાં આવ્યું છે. જો તેમને આધાર કાર્ડ અથવા અન્ય દસ્તાવેજો ઇશ્યુ કરવામાં આવ્યા હોય તો એ રદ કરવામાં આવશે. એકનાથ શિંદેએ મુંબઈને વર્લ્ડ ક્લાસ બનાવવા સાથે ઝૂંપડપટ્ટીમુક્ત, અતિક્રમણમુક્ત, ખાડામુક્ત અને ડ્રગ્સમુક્ત બનાવવા માટે ઍક્શન-પ્લાન બનાવવામાં આવશે એમ જણાવ્યું હતું, જ્યારે કૉન્ગ્રેસના નેતાઓએ અતિક્રમણના નામે કાયદેસરના ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.


