૨૦૦૫ની ૨૬ જુલાઈએ પૂરથી થયેલા નુકસાનને નકારતી ઇન્શ્યૉરન્સ કંપનીની હાઈ કોર્ટે ઝાટકણી કાઢી
બૉમ્બે હાઈ કોર્ટ
૨૦૦૫ની ૨૬ જુલાઈએ મુંબઈમાં આવેલા પૂર પછી ઇન્શ્યૉરન્સ કંપનીઓમાં મંડાયેલા દાવાઓના પૂરમાંથી ઘણા કેસો કોર્ટે ચડ્યા હતા અને એમાંની ઘણાની સુનાવણી હજી ચાલી રહી છે. આવો જ કેસ મુંબઈની એક હાઉસિંગ સોસાયટીનો છે. આ કેસમાં તાજેતરની સુનાવણીમાં બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે ‘કંપનીની અને બૅન્કની ભૂલને કારણે ઇન્શ્યૉરન્સ કંપની પોતાની જવાબદારી પરથી હાથ ન ખંખેરી શકે. જોખમી પરિસ્થિતિ સર્જાઈ (પૂર) એના પહેલાં ચેક આપી દેવામાં આવ્યો હતો અને બૅન્કમાં પૂરતું બૅલૅન્સ પણ હતું એ ગ્રાહક તરફની તમામ કાનૂની જરૂરિયાતને પૂરી કરે છે.’
આ પહેલાં સોસાયટીએ કન્ઝ્યુમર કમિશનમાં ઇન્શ્યૉરન્સ કંપનીને પડકારી હતી. ત્યાં તેઓ જીતી ગયા હતા. કંપનીએ હાઈ કોર્ટમાં કમિશનના નિર્ણયને પડકારતી અરજી કરી હતી. હવે હાઈ કોર્ટે પણ કંપનીનો દાવો નકારી કાઢ્યો છે.
શું હતો કેસ?
આ સોસાયટીએ ૨૦૦૫ની ૧૭ જુલાઈએ પ્રીમિયમ માટેનો ચેક ઇશ્યુ કરીને સ્ટૅન્ડર્ડ ફાયર ઍન્ડ સ્પેશ્યલ પેરિલ્સ પૉલિસી રિન્યુ કરી હતી. ૨૬ જુલાઈના પૂરમાં સોસાયટીને ભારે નુકસાન થયું હતું. એના માટે તેમણે ૭ ઑગસ્ટે દાવો માંડ્યો હતો. જોકે ઇન્શ્યૉરન્સ કંપનીએ સામે દાવો કર્યો હતો કે સોસાયટીનો ચેક અમાન્ય ગણાયો હોવાથી તેમની પૉલિસી ૪ ઑગસ્ટે રદ કરવામાં આવી હતી. ૨૬ જુલાઈના પૂરને કારણે ઘણી અવ્યવસ્થા સર્જાઈ હતી. એના પરિણામે ઇન્શ્યૉરન્સ કંપની દ્વારા ચેક ડિપોઝિટ કરવામાં મોડું થયું હતું અને બૅન્ક તરફથી ચેક ક્લિયર કરવામાં મોડું થયું હતું એટલે ઇન્શ્યૉરન્સ કંપનીએ દાવો ફગાવી દીધો હતો. જોકે બૅન્કે એ વાતની ખાતરી આપી હતી કે સોસાયટીના અકાઉન્ટમાં પૂરતું બૅલૅન્સ હતું.


