થાણેના ડૉક્ટરો સાથે મારપીટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે શિવસેના કોર્પોરેટર રમેશ મહાત્રેને કડક ફટકાર લગાવી છે. કોર્ટે ઉંમરના આધારે રાહત આપવાનો ઇનકાર કર્યો, જામીન પર રોક યથાવત રાખી અને જનપ્રતિનિધિના વર્તન પર ગંભીર સવાલ ઉઠાવ્યા.
રમેશ મ્હાત્રે (સૌજન્ય : મિડ-ડે)
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં બે ડૉક્ટર અને હોસ્પિટલના કર્મચારીઓ સાથે મારપીટ કરવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટે શિવસેના કોર્પોરેટર રમેશ મ્હાત્રેને કડક ફટકાર લગાવી છે. હાઈકોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા મળેલી તેમની જામીન પરની રોક હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. કોર્ટે કહ્યું કે જનપ્રતિનિધિ હોવા છતાં તેમનું વર્તન ખૂબ જ ગંભીર અને અસ્વીકાર્ય છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયમૂર્તિ ગૌતમ અંખાડની બેન્ચે સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી.કોર્ટે જણાવ્યું કે રમેશ મ્હાત્રેએ એક મહિલા ડૉક્ટર સહિત અનેક લોકો સાથે મારપીટ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કડક શબ્દોમાં કહ્યું,"તમે મહિલાઓ અને ડૉક્ટરો સાથે મારપીટ કરી છે. આશ્ચર્યની વાત છે કે તેઓ બચી ગયા. તેમને થોડો વધુ સમય જેલમાં રહેવા દો."
`73 વર્ષની ઉંમર`ની દલીલ કોર્ટને ન ગમી, વીડિયો જોઈ કરી કડક ટિપ્પણી
ADVERTISEMENT
રમેશ મ્હાત્રે તરફથી વકીલ સના રઈસ ખાને કોર્ટમાં દલીલ કરી કે તેમના ક્લાયન્ટની ઉંમર 73 વર્ષ છે. તેઓ અનેક બીમારીઓથી પીડિત છે અને હવે પોલીસને તેમની કસ્ટડીની જરૂર નથી. જોકે, હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. કોર્ટે કહ્યું કે વાયરલ થયેલા મારપીટના વીડિયોમાં રમેશ મ્હાત્રેનું વર્તન કોઈ 73 વર્ષના વૃદ્ધ જેવું નથી લાગતું.પરંતુ તેઓ 25 વર્ષના યુવકની જેમ મારપીટ કરતા જોવા મળે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે માત્ર ઉંમરના આધારે રાહત આપી શકાય નહીં.
જનપ્રતિનિધિના વર્તન પર કોર્ટે ઉઠાવ્યા ગંભીર સવાલ
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જનપ્રતિનિધિનું કામ લોકોની સેવા કરવાનું હોય છે.લોકો પર હાથ ઉઠાવવો કે મારપીટ કરવી તેમની જવાબદારી નથી. કોર્ટે પૂછ્યું કે જો કોઈ વકીલ તમારો કેસ લડવાની ના પાડે, તો શું તમે તેની સાથે પણ આવી જ રીતે મારપીટ કરશો? કોર્ટે સમગ્ર ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી. આ કેસની આગામી સુનાવણી હવે સોમવાર સુધી મુલતવી રાખવામાં આવી છે.
શું છે આ ઘટના?
આ ઘટના 6 જુલાઈની છે. આરોપ છે કે રમેશ મ્હાત્રે તેમના સમર્થકો સાથે ડોમ્બિવલીની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે બે ડૉક્ટર,જેમાં એક મહિલા ડૉક્ટર પણ હતા, તેમજ હોસ્પિટલના અન્ય કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે એક પરિવારે આરોપ લગાવ્યો કે હોસ્પિટલએ તેમના નવજાત બાળકને દાખલ કરવાની ના પાડી હતી. હોસ્પિટલનું કહેવું હતું કે NICUના તમામ બેડ ભરાઈ ગયા હોવાથી બાળકને દાખલ કરી શકાયું નહોતું. આ સમગ્ર મામલે રમેશ મ્હાત્રેએ પોતાનો બચાવ કરતાં કહ્યું કે તેમણે મહિલા ડૉક્ટર પર હુમલો કર્યો નહોતો. તેમનો દાવો હતો કે તેમણે માત્ર ડૉક્ટરના હાથમાં રહેલા મોબાઇલ પર હાથ માર્યો હતો, કારણ કે તેઓ તેમની વાત સાંભળતા નહોતા.
જામીન મળ્યા પછી પણ ફરી જવું પડ્યું જેલ, હવે સોમવારે થશે સુનાવણી
મારપીટની ઘટના બાદ બે દિવસમાં પોલીસે રમેશ મહાત્રેની ધરપકડ કરી હતી. 14 જુલાઈએ સેશન્સ કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. પરંતુ બાદમાં બોમ્બે હાઈકોર્ટે આ જામીન રદ કરી દીધા. સાથે જ મ્હાત્રેને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટના આદેશ બાદ તેમણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું. ત્યારબાદ કલ્યાણ કોર્ટે તેમને 3 ઑગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. હવે તેમની જામીન અરજી પર આગામી સુનાવણી સોમવારે થશે
