ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે છાપો મારીને કૈલાશના બન્ને મોબાઇલ જપ્ત કરી લીધા હતા
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટની શંકર લેનમાં આવેલી અમન સોસાયટીમાં ભારત-પાકિસ્તાન મૅચ પર સટ્ટો રમનાર અને રમાડનાર ૪૨ વર્ષના કૈલાશ સાલેચાની કાંદિવલી પોલીસે રવિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે છાપો મારીને કૈલાશના બન્ને મોબાઇલ જપ્ત કરી લીધા હતા. એમાંથી પોલીસને સટ્ટો રમતા અને રમાડતા હોવાના પુરાવા મળી આવ્યા હતા. આરોપી વિશે પોલીસ વધુ માહિતી ભેગી કરી રહી છે. આ ઉપરાંત તેની પાસે કોણ-કોણ સટ્ટો રમતું હતું એની પણ માહિતી ભેગી કરવામાં આવી રહી છે. પકડાઈ ન જવાય એ માટે આરોપી ઑનલાઇન લિન્કના માધ્યમથી સટ્ટો રમાડતો હોવાની ચોંકાવનારી માહિતી મળી છે.
કાંદિવલી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર શેખર શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલી પોલીસ-સ્ટેશનના અધિકારીઓને સૂચના મળી હતી કે કાંદિવલીની શંકર લેનમાં આવેલી એક સોસાયટીમાં એક યુવાન સટ્ટો રમી અને રમાડી રહ્યો છે. ત્યાર બાદ તેમની સાથે જૉઇન્ટ કાર્યવાહીમાં અમે શંકર લેનમાં આવેલી અમન સોસાયટીના એક ફ્લૅટમાં છાપો માર્યો હતો. ત્યાં આરોપી કૈલાશ પાસેથી અમને બે મોબાઇલ મળી આવ્યા હતા. તેના ગૂગલ બ્રાઉઝરમાં Winner7.co વેબસાઇટ ચાલતી હતી તેમ જ બીજા મોબાઇલમાં aadmin.lotus7book.com7 ચાલુ હોવાની માહિતી મળી હતી. બન્ને વેબસાઇટની બારીકાઈથી તપાસ કરતાં બન્ને વેબસાઇટ દ્વારા ઑનલાઇન સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો એટલું જ નહીં, આરોપીએ રવિવારે સવારે તેના કેટલાક ગ્રાહકોને વૉટ્સઍપ પર સાંજે શરૂ થનારી ઇન્ડિયા અને પાકિસ્તાનની મૅચમાં સટ્ટો લેવામાં આવશે એવો કોડવર્ડમાં મેસેજ કર્યો હોવાનું પણ જોવા મળ્યું હતું. અંતે અમે તેને તાબામાં લઈને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં તેની પાસે કોણ-કોણ સટ્ટો રમી રહ્યું હતું અને આગળના શું વ્યવહારો થયા છે એની પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’

