Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મરેલો ઉંદર ૨૫ લાખ રૂપિયાનો?

મરેલો ઉંદર ૨૫ લાખ રૂપિયાનો?

Published : 07 October, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલી-વેસ્ટની રાધા કૃષ્ણા હોટેલના મૈસૂર મસાલા ઢોસામાંથી ઉંદર મળી આવ્યો હોવાનો વિડિયો વાઇરલ થવાને કારણે એનું લાઇસન્સ સસ્પેન્ડ થઈ ગયું હતું

લાઇસન્સ સસ્પેન્ડ થયા પછી બંધ પડેલી બોરીવલીની રાધા કૃષ્ણા રેસ્ટોરાં. તસવીર: સતેજ શિંદે/ મૈસૂર મસાલા ઢોસાના મસાલામાંથી મળેલો મરેલો ઉંદર.

લાઇસન્સ સસ્પેન્ડ થયા પછી બંધ પડેલી બોરીવલીની રાધા કૃષ્ણા રેસ્ટોરાં. તસવીર: સતેજ શિંદે/ મૈસૂર મસાલા ઢોસાના મસાલામાંથી મળેલો મરેલો ઉંદર.


બોરીવલીની રાધા કૃષ્ણા રેસ્ટોરાંમાં ઢોસાના મસાલામાંથી મરેલો ઉંદર મળી આવ્યો એ પછી બે મહિલાઓએ માલિક પાસેથી ખંડણી ઉઘરાવવાની કોશિશ કરી; પહેલાં ૨૫ લાખ રૂપિયા માગ્યા અને પછી ડીલ ૭ લાખ રૂપિયામાં નક્કી થઈ; ઓનરે ટોકનરૂપે એક લાખ રોકડા આપીને બીજા ૬ લાખ રૂપિયા આપવાના ટાઇમે પોલીસને બોલાવી લીધી


બોરીવલી-વેસ્ટની રાધા કૃષ્ણા હોટેલના મૈસૂર મસાલા ઢોસામાંથી ઉંદર મળી આવ્યો હોવાનો વિડિયો વાઇરલ થવાને કારણે એનું લાઇસન્સ સસ્પેન્ડ થઈ ગયું હતું. હવે રેસ્ટોરાંના માલિકનો દાવો છે કે આ વિડિયોનો ઉપયોગ બ્લૅકમેઇલિંગ માટે પણ કરવામાં આવ્યો હતો. બોરીવલી પોલીસે માલિકની ફરિયાદના આધારે બે મહિલાઓ સામે ગુનો નોંધ્યો છે. આરોપ છે કે તેમણે વિડિયો-ક્લિપ ફરીથી વાઇરલ કરવાની ધમકી આપીને તેમની પાસેથી પચીસ લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.



એલ. ટી. રોડ પર આવેલી રાધા કૃષ્ણા હોટેલના માલિક જય શાહની ફરિયાદ પર પાંચમી ઑક્ટોબરે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો. ગોરાઈની રહેવાસી ૩૬ વર્ષની માનસી આચાર્ય અને તેની ૨૯ વર્ષની બહેન કિંજલ ભાટિયા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૨) (ખંડણી) અને ૩(૫) (સમાન ઇરાદો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમસ્યાની શરૂઆત ૨૪ સપ્ટેમ્બરે થઈ હતી, જ્યારે એક ગ્રુપ હોટેલ પર આવ્યું હતું અને દાવો કર્યો હતો કે ઢોસામાંથી ઉંદર મળી આવ્યો છે. ૨૬ સપ્ટેમ્બરે સોશ્યલ મીડિયા પર આ ઘટનાની ક્લિપ વાઇરલ થવા લાગી હતી. બે દિવસ બાદ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ હોટેલનું લાઇસન્સ સ્થગિત કરી દીધું હતું, જેની જાણકારી અગાઉ ‘મિડ-ડે’ દ્વારા આપવામાં આવી હતી.
જય શાહનો આરોપ છે કે ત્યાર બાદ અસલી મુશ્કેલી શરૂ થઈ હતી. તેમણે દાવો કર્યો કે તેમને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા, જેમાં વળતર ચૂકવવાની અથવા વિડિયો ફરીથી વાઇરલ થવાનો સામનો કરવાની માગણી કરવામાં આવી હતી. તેઓ સૌપ્રથમ ૨૯ સપ્ટેમ્બરે બોરીવલી પોલીસ પાસે ગયા હતા.
FIR મુજબ ૩૦ સપ્ટેમ્બરે માનસીએ તેમને ફોન કરીને પચીસ લાખ રૂપિયાની માગણી કરી હતી અને બાદમાં કિંજલ સાથે હોટેલની મુલાકાત લીધી હતી. કથિત રીતે રકમ માટે વાટાઘાટો થઈ હતી અને એ ઘટીને ૨૦ લાખ, પછી ૧૫ લાખ અને અંતે ૭ લાખ રૂપિયા સુધી આવી હતી. જય શાહનું કહેવું છે કે તેમણે ટોકન તરીકે એક લાખ રૂપિયા રોકડા ચૂકવ્યા હતા. તેમનો આરોપ છે કે પહેલીથી પાંચમી ઑક્ટોબર દરમ્યાન માનસી બાકીના ૬ લાખ રૂપિયા માટે સતત ફોન અને વૉટ્સઍપ મેસેજ કરતી રહી હતી અને તેમની સામે પોલીસ-ફરિયાદ કરવાની ધમકી આપતી હતી.
જય શાહે જણાવ્યું હતું કે તેઓ સતત પોલીસના સંપર્કમાં હતા. FIRમાં ઉલ્લેખ છે કે પાંચમી ઑક્ટોબરે સાંજે સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં ગોઠવવામાં આવેલા છટકામાં માનસીને ૬ લાખ રૂપિયા રોકડા સ્વીકારતી વખતે પકડી પાડવામાં આવી હતી. જય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઢોસામાં ઉંદર મળી આવ્યો હોવાનો એક વિડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ FDAએ અમારી હોટેલ સામે કાર્યવાહી કરીને લાઇસન્સ સ્થગિત કરી દીધું હતું. FDAના કમિશનર તુકારામ મુંઢે જનહિત માટે કામ કરી રહ્યા છે અને એ યોગ્ય છે, પરંતુ આવા સમયે અલગ-અલગ ઇરાદા ધરાવતા ઘણા લોકો રેસ્ટોરાંના માલિકોને ધમકાવીને અને પૈસાની માગણી કરીને એનો ગેરલાભ ઉઠાવે છે.’
પોલીસનું શું કહેવું છે?
બોરીવલીના એક સિનિયર પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘જય શાહના આક્ષેપોના આધારે અમે બે વ્યક્તિ સામે FIR નોંધ્યો છે. તેઓ મહિલાઓ હોવાથી અમે તેમની ધરપકડ કે અટકાયત કરી નથી, પરંતુ માત્ર નોટિસ આપી છે.’


- અભિતાષ સિંહ


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK