ઍરપોર્ટ, રેલવે-સ્ટેશન અને હૉસ્પિટલની રાઇડ કૅન્સલ કરશે તો થશે પાંચ ગણો દંડ
પ્રતીકાત્મક તસવીર
ડ્રાઇવર પાસેથી વસૂલવામાં આવેલી દંડની રકમ સીધી જ પ્રવાસીના અૅપ અકાઉન્ટમાં ક્રેડિટ થશે
મહારાષ્ટ્ર સરકારે ઓલા, ઉબર અને રૅપિડો જેવી અૅપ-બેઝ્ડ ટૅક્સી-સર્વિસને નિયંત્રિત કરવા માટે જાહેર કરેલી મહારાષ્ટ્ર મોટર વ્હીકલ અૅગ્રિગેટર રૂલ્સ, 2026ની એક અત્યંત મહત્ત્વપૂર્ણ જોગવાઈ સામે આવી છે. સમયસર પહોંચવું જરૂરી હોય અેવી જગ્યાઓ જેમ કે અૅરપોર્ટ, રેલવે-સ્ટેશન અને હૉસ્પિટલની રાઇડ સ્વીકાર્યા બાદ જો કોઈ ડ્રાઇવર અેને રદ કરશે તો તેને સામાન્ય દંડ કરતાં પાંચ ગણો વધુ દંડ ભરવો પડશે. મુસાફરોને છેલ્લી ઘડીએ થતી અગવડતા રોકવા અને અૅપ-ટૅક્સી-સર્વિસની વિશ્વસનીયતા વધારવા માટે આ નિયમ અમલી બનાવાયો છે. ડ્રાઇવર પાસેથી વસૂલવામાં આવેલી દંડની રકમ સીધી જ પ્રવાસીના અૅપ અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે.
જો કોઈ ડ્રાઇવર બુકિંગ સ્વીકાર્યા પછી રાઇડ કૅન્સલ કરે છે તો તેણે કુલ ભાડાના ૧૦ ટકા અથવા મહત્તમ ૧૦૦ રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. જો ડ્રાઇવર પિકઅપના અંદાજિત સમયના ૧૦ મિનિટ સુધી લોકેશન પર નહીં પહોંચે તો અે રાઇડને પણ ડ્રાઇવરે કૅન્સલ કરી હોવાનું ગણીને ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
બીજી તરફ જો કોઈ પ્રવાસી યોગ્ય કારણ વગર રાઇડ કૅન્સલ કરશે તો તેણે ભાડાના પાંચ ટકા અથવા મહત્તમ ૧૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે જે રકમ સીધી ડ્રાઇવરના ખાતામાં જમા થશે.
ADVERTISEMENT
જો મુસાફરી દરમ્યાન ટૅક્સીમાં કોઈ ટેક્નિકલ ફૉલ્ટ સર્જાય તો અૅગ્રિગેટર કંપનીએ કૉર્પોરેશન વિસ્તારમાં ૩૦ મિનિટમાં અને ૧૦૦ કિલોમીટરથી વધુના ઇન્ટરસિટી પ્રવાસમાં ૬૦ મિનિટમાં અન્ય વાહનની વ્યવસ્થા કરી આપવી પડશે, નહીંતર કંપની સામે પણ દંડાત્મક કાર્યવાહી થશે.
