આ ફોન લખનઉથી હોવાનું જાણવા મળ્યું છે
પ્રતીકાત્મક તસવીર
મંગળવારે મોડી રાત્રે મુંબઈ પોલીસને આવેલા એક બનાવટી ફોન-કૉલને કારણે મુંબઈ એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી. આ કૉલમાં એક અજાણી વ્યક્તિએ દાવો કર્યો હતો કે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામ કરતા કર્મચારીઓના જીવ જોખમમાં છે. જે બાદ પોલીસ ઉતાવળમાં આ બાબતની તપાસમાં લાગી ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ જાણવા મળ્યું હતું કે કૉલ બનાવટી હતો. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફોન કરનાર વ્યક્તિ લખનઉનો રહેવાસી છે અને મુંબઈ પોલીસ લખનઉ પોલીસના સંપર્કમાં છે. આરોપીને બહુ જલ્દી મુંબઈ લાવવામાં આવશે.
ADVERTISEMENT
આ પહેલાં પણ અનેકવાર એવુ બન્યું છે કે, બનાવટી ફોન-કૉલ્સે એરપોર્ટ પર પોલીસને કામ-ધંધે લગાડી દીધી હોય. અગાઉ જુલાઈ મહિનામાં મુંબઈ જ્યારે કોઈએ ફોન કરીને ખોટી અફવા ફેલાવી હતી કે દુબઈથી મુંબઈ આવતા વિમાનમાં RDX છે ત્યારે એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી. જોકે તપાસ બાદ આ માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.
તેમજ છ ઓગસ્ટની રાત્રે એક ફોન-કૉલના કારણે મુંબઈમાં પોલીસ કંટ્રોલ રૂમમાં હંગામો મચી ગયો હતો. મુંબઈ પોલીસને ફોન-કૉલ્સ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે મુંબઈમાં ચાર સ્થળો, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ભાયખલા સ્ટેશન, દાદર સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનના નિવાસ સ્થાને બોમ્બ મૂકવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને જીઆરપી ટીમે ઉતાવળમાં ઉલ્લેખિત સ્થળોની શોધ કરી હતી. પરંતુ તપાસમાં આ ફોન-કૉલ બનાવટી હોવાનું જણાયું હતું. ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે લોકોની અટકાયત કરી હતી.

