Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થાન શિવનેરી કિલ્લામાં જન્મજયંતીની રાજ્યકક્ષાની ઉજવણી

છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થાન શિવનેરી કિલ્લામાં જન્મજયંતીની રાજ્યકક્ષાની ઉજવણી

Published : 20 February, 2026 01:00 PM | Modified : 20 February, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંભાજીનગરમાં શિવજયંતીની જબરદસ્ત ઉજવણી

શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે શિવનેરી કિલ્લા પર પારણામાં સૂતેલા બાળશિવાજીના પારણાની ફૂલો ભરેલી દોરીને ખેંચીને દેવેન્દ્ર ફણડવીસે, એકનાથ શિંદે અને આશિષ શેલારે તેમને ઝુલાવ્યા હતા.

શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે શિવનેરી કિલ્લા પર પારણામાં સૂતેલા બાળશિવાજીના પારણાની ફૂલો ભરેલી દોરીને ખેંચીને દેવેન્દ્ર ફણડવીસે, એકનાથ શિંદે અને આશિષ શેલારે તેમને ઝુલાવ્યા હતા.


પુણે જિલ્લાની જુન્નર તહસીલમાં આવેલા શિવનેરી કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થળ પર શિવજયંતી નિમિત્તે રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી મહારાજની ૩૯૬મી જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘છત્રપતિ શિવરાયે બતાવેલો માર્ગ સર્વાંગી વિકાસનો સાચો માર્ગ છે. તેમના કાર્યના આદર્શને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે ૨૦૩૦માં છત્રપતિ શિવાજી મહારાજની ૪૦૦મી જન્મજયંતી ભવ્ય અને વૈશ્વિક સ્તરે ઊજવવામાં આવશે.’

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અને પુણે જિલ્લાનાં પાલક પ્રધાન સુનેત્રા પવાર, સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલાર, જુન્નરના વિધાનસભ્ય શરદ સોનાવણે, અભિનેતા રિતેશ દેશમુખ અને અનેક ઉચ્ચ કક્ષાના અધકારીઓ અને પોલીસ-અધિકારીઓ હાજર રહ્યા હતા.



છત્રપતિ શિવાજી મહારાજ વિના ભારતનો ઇતિહાસ અને ભૂગોળ અલગ હોત એ વાત પર ભાર મૂકતાં મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે ‘ઘણા રાજાઓ મોગલ શાસન હેઠળ કામ કરતા હતા ત્યારે શિવાજી મહારાજે લોકો માટે સ્વરાજ્ય (સ્વશાસન) સ્થાપિત કર્યું. તેમણે જીવનનાં તમામ ક્ષેત્રોના લોકોને એક કર્યા અને ભાર મૂક્યો કે આ મારું રાજ્ય નથી પરંતુ લોકોનું રાજ્ય છે. શિવાજી મહારાજના વહીવટમાં સમાનતા, આદર, ન્યાય અને મહિલાઓની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી જ્યાં ખેડૂતો સંતુષ્ટ હોય અને જુલમ અસ્તિત્વમાં ન હોય.’


મુખ્ય પ્રધાને શિવાજી મહારાજના દૂરંદેશી શાસનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘શિવાજી મહારાજે એક સરળ વ્યવસ્થા બનાવવા માટે લગભગ ૫૦ પ્રકારના કર નાબૂદ કર્યા હતા. તેમણે પાણી અને વનસંરક્ષણ માટે આયોજન કર્યું હતું અને દરિયાઈ આક્રમણોને નિષ્ફળ બનાવવા માટે દરિયાઈ કિલ્લાઓ બનાવ્યા હતા.’

ભારે ગિરદીમાં ત્રણ જણ ઘાયલ


હજારો શિવપ્રેમીઓ શિવજયંતીની ઉજવણી કરવા શિવનેરી ફોર્ટ પર આગલી રાતથી જ ભેગા થયા હતા. બુધવારે મધરાત બાદ સાડાત્રણ વાગ્યે કિલ્લા પરના મીના દરવાજાથી કેટલાક યુવાનોનું ગ્રુપ બહુ સ્પીડમાં હાથમાં મશાલ લઈને નીચે ઊતરી રહ્યું હતું એ વખતે તેમનાથી બચવા લોકો આઘાપાછા થવા માંડ્યા હતા. વળી ત્યારે જ કોઈએ ઉપરથી ધક્કો મારતાં ગરબડ થઈ હતી અને એ ગ્રુપના ચાર-પાંચ જણ પડ્યા હતા. એમાંથી ૩ જણને વાગ્યું હતું. એ વખતે પોલીસ ત્યાં હાજર હતી. તેમણે એ ૩ ઘાયલ લોકોને મદદ કરી હતી અને ત્યાર બાદ ફરી એક વાર લોકોની સરળ અવરજવર થઈ શકે એ માટે પગલાં લીધાં હતાં. 

સંભાજીનગરમાં શિવજયંતીની જબરદસ્ત ઉજવણી

છત્રપતિ સંભાજીનગરના ક્રાન્તિ ચોકમાંના છત્રપતિ શિવાજી મહારાજના અશ્વારૂઢ પૂતળા પાસે ગઈ કાલે શિવાજી જયંતીની જોરદાર ઉજવણી થઈ હતી. હજારોની સંખ્યામાં શિવપ્રેમીઓ એકઠા થયા હતા. રોશનીથી સજાવટ કરીને જોરદાર આતશબાજી કરવામાં આવી હતી અને ઢોલ-તાશા સાથે થયેલી ઉજવણીને ડ્રોન કૅમેરામાં ઝીલી લેવાઈ હતી. હજારો લોકોએ એકસાથે ‘જય ભવાની જય શિવાજી’ની નારાબાજી કરી ગગન ગજવી મૂક્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK