વસઈથી ૬૬ નૉટિકલ માઇલ દૂર દરિયામાં ૧૦ દિવસથી આ સર્કલ તૈયાર થયું છે જેમાંથી માટીના રંગવાળું પાણી ફોર્સથી બહાર આવી રહ્યું છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મુંબઈ પાસે આવેલા વસઈના અરબી સમુદ્રમાં એક વમળ જોવા મળ્યું છે જેમાંથી માટીવાળા રંગનું પાણી બહાર આવી રહ્યું છે. સમુદ્રની વચ્ચોવચ આવું સર્કલ તૈયાર થવું અને એમાંથી અલગ જ રંગનું પાણી બહાર આવવા માંડતાં માછીમારોને પણ નવાઈ લાગી હતી. ખરું જોતાં આ ઘટનાનો પહેલો વિડિયો ૧૧ જાન્યુઆરીએ જ બહાર આવ્યો હતો.
વસઈથી ૬૬ નૉટિકલ માઇલ દૂર દરિયામાં ૧૦ દિવસથી આ સર્કલ તૈયાર થયું છે જેમાંથી માટીના રંગવાળું પાણી ફોર્સથી બહાર આવી રહ્યું છે. વસઈના પાચુંબંદરની ‘ૐ નમઃ શિવાય’ નામની કૃષ્ણા મોરલી ખાંડ્યાની માલિકીની માછીમારી-બોટ એ સર્કલમાં ફસાઈ ગઈ હતી. એ પછી એન્જિનનો પાવર વધારીને એ બોટને સર્કલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ એ વિશે રાજ્ય સરકારના ફિશરીઝ ઑફિસર, કોસ્ટગાર્ડ અને નેવીને એની માહિતી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
માછીમારોનું માનવું છે કે પાલઘર ભૂકંપ થવાની સંભાવનાવાળો જિલ્લો છે. દર વર્ષે અહીં ભૂકંપના ૨૦૦ જેટલા હળવા આંચકા અનુભાવાય છે. એથી આ ઘટનાની તપાસ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ દ્વારા કરવામાં આવે એવી માગણી ત્યાંના લાઇફગાર્ડે કરી છે. જોકે આ ઘટનાની દખલ લેવાઈ છે કે કેમ અને એ બાબતે તપાસનાં કોઈ પગલાં હાથ ધરાયાં કે નહીં એની જાણ થઈ શકી નથી.


