તબેલાની અંદર અને બહાર ભારે અસ્વચ્છતા, નોટિસો છતાં સફાઈ ન કરી એટલે કૉર્પોરેશનની કડક કાર્યવાહી, ગાય-ભેંસ જપ્ત કરી દેવાનું અલ્ટિમેટમ
કાશીગાવના જરીમરી વિસ્તારમાં આવેલો તબેલો.
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના સ્વચ્છતા અધિકારીઓએ મીરા રોડ-ઈસ્ટના કાશીગાવ વિસ્તારમાં આવેલા બે તબેલાના માલિકો સામે કાશીગાવ પોલીસ-સ્ટેશનમાં મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. તબેલાની અંદર અને બહારના ભાગમાં ખૂબ જ ગંદી જગ્યાએ ગાય-ભેંસને રાખવામાં આવી હોવાની માહિતી આ અધિકારીઓને મળી હતી. તબેલામાં ગંદકીને કારણે અનેક રોગ થવાની શક્યતા રહેતી હોય છે. આ રોગો ખૂબ જોખમી પણ નીવડે છે. એટલું જ નહીં, ગાય-ભેંસને આ રોગ થાય અને જો એમનું દૂધ લોકો દ્વારા પીવામાં આવે તો માણસોમાં પણ આ બીમારીઓ ફેલાવાની શક્યતા રહે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને MBMCએ તબેલાના માલિકો સામે કાર્યવાહી કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ચારથી પાંચ દિવસમાં જો સફાઈ નહીં કરવામાં આવે તો તમામ ગાય-ભેંસને જપ્ત કરવામાં આવશે એવી વૉર્નિંગ પણ અધિકારીઓ તરફથી તબેલાના માલિકોને અપાઈ હતી.
MBMCના સ્વચ્છતા અધિકારી કાંતિલાલ બાંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાશીગાવના માંડવા વિસ્તારમાં આવેલા વિજય ડેરી તબેલા અને જરીમરી તળાવ નજીકમાં દાનાભાઈ ભરવાડ અને રામુભાઈ ભરવાડ દ્વારા ચલાવવામાં આવતા તબેલા સામે ફરિયાદ નોંધાઈ હતી. છેલ્લા એકથી દોઢ મહિનામાં તબેલાની બહાર ગંદકીની ચારથી પાંચ ફરિયાદો મળી હતી. એટલું જ નહીં, કેટલીક ગાય-ભેંસનું સ્વચ્છતાના અભાવે મૃત્યુ થઈ હોવાની જાણકારી પણ અમને મળી હતી. આ દરમ્યાન ૧૫ દિવસ પહેલાં અમારા અધિકારીઓએ ત્યાં જઈને નિરીક્ષણ કર્યું હતું, જેમાં ખૂબ જ ખરાબ અવસ્થામાં આશરે ૧૦૦થી વધારે ગાય-ભેંસને બાંધી રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. એટલે તબેલાના માલિકોને નોટિસ મોકલવામાં આવી હતી અને તાત્કાલિક ગંદકી સાફ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જોકે નોટિસ છતાં તબેલાના માલિકોએ સફાઈ કરી નથી એટલે તેમની સામે પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’

