માઝગાવની સેશન્સ કોર્ટે ફૅમિલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો : કરુણા શર્માએ લગ્ન થયાં હતાં એ સહિતના પુરાવા રજૂ કર્યા એ કોર્ટે માન્ય રાખ્યાં, ધનંજય મુંડેની મુશ્કેલી વધી શકે છે
ધનંજય મુંડે, કરુણા શર્મા
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને વિધાનસભ્ય ધનંજય મુંડેને બાંદરામાં આવેલી ફૅમિલી કોર્ટે તેમની પહેલી પત્ની કરુણા શર્માને મહિને બે લાખ રૂપિયા મેઇન્ટેનન્સ તરીકે આપવાનો આદેશ ફેબ્રુઆરી મહિનામાં આપ્યો હતો. આ આદેશને ધનંજય મુંડેએ માઝગાવ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. ગઈ કાલે માઝગાવ સેશન્સ કોર્ટે ફૅમિલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. સેશન્સ કોર્ટે કરુણા શર્મા ધનંજય મુંડેની પહેલી પત્ની હોવાનું માન્ય રાખીને તેને દર મહિને બે લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદાથી ધનંજય મુંડેની રાજકીય મુશ્કેલી વધી શકે છે.
માઝગાવ સેશન્સ કોર્ટમાં ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે કરુણા શર્માના વકીલે ધનંજય મુંડેએ ૧૯૯૮ની ૯ જાન્યુઆરીએ વૈદિક પદ્ધતિથી કરુણા શર્મા સાથે લગ્ન કર્યાં હોવાની અને માતા-પિતાના દબાણમાં આવીને બીજાં લગ્ન કર્યાં હોવા છતાં કરુણા સાથે છૂટાછેડા નહીં લેવાની કબૂલાત કરતો પત્ર રજૂ કર્યો હતો. ઉપરાંત ધનંજય મુંડેએ તેમના વસિયતનામામાં કરુણા શર્મા પહેલી પત્ની હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનો પુરાવો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ પુરાવા જોઈને કરુણા શર્મા ધનંજય મુંડેની પહેલી પત્ની હોવાનું માન્ય રાખ્ય હતું.
ADVERTISEMENT
૨૦ કરોડની ઑફર કરેલી
કરુણા શર્માએ ગઈ કાલે કોર્ટના ચુકાદા બાદ મીડિયા સાથે વાત કરી હતી. કરુણા શર્માએ કહ્યું હતું કે ‘જો હું ખોટી હોત અને મારી પાસે પુરાવા ન હોત અને હું ધનંજય મુંડેની પત્ની ન હોત તો હું રૂપિયા લઈને ક્યારનીયે દુબઈ ભાગી ગઈ હોત. ધનંજય મુંડેએ ૨૭ વર્ષથી સાથે રહેનારી પત્નીને રસ્તામાં લાવી દીધી છે અને દારૂ તથા યુવતીઓ સપ્લાય કરનારા દલાલોને પાળીને ઘરમાં રાખ્યા છે. ૧૯૯૬માં મને એક ફિલ્મમાં હિરોઇન તરીકે કામ કરવાની ઑફર મળી હતી. જોકે મેં એ ઑફર નકારીને પતિ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. મને પ્રેમજાળમાં ફસાવીને મારી સાથે લગ્ન કરાવનારાને ધનંજય મુંડે ૨૦ કરોડ રૂપિયા આપવાના હતા.’
૧૫ લાખની માગણી કરશે
માઝગાવ સેશન્સ કોર્ટે કરુણા શર્માને દર મહિને બે લાખ રૂપિયા મેઇન્ટેનન્સ તરીકે આપવાનો આદેશ ધનંજય મુંડેને આપ્યો હતો. જોકે કરુણા શર્માએ કહ્યું હતું કે ‘હું રખાત નહીં, ધનંજય મુંડેની પહેલી પત્ની છું એ સાબિત કરવા માટેની મારી લડાઈ હતી. કોર્ટે મારી આ વાત સ્વીકારી છે એટલે મારો વિજય થયો છે. જોકે બે લાખ રૂપિયાનું મહિનાનું મેઇન્ટેનન્સ બહુ ઓછું છે. ઘર લોન પર લીધું છે અને એનો મહિનાનો હપ્તો જ ૧.૭૦ લાખ રૂપિયા આવે છે. ઘરનો ખર્ચ ૩૦,૦૦૦ રૂપિયા છે અને પુત્ર બેરોજગાર છે. આથી બે લાખ રૂપિયામાં શું થાય? માઝગાવ કોર્ટના બે લાખ રૂપિયાના મેઇન્ટેનન્સ આપવાના ચુકાદાને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારીને મહિને ૧૫ લાખ રૂપિયાનું મેઇન્ટેનન્સ માગીશ.’

