રાજસ્થાન સાઇબર સેલની પોલીસે નોટિસ આપી ત્યાર પછી ડોમ્બિવલીમાં રહેતી ૩૮ વર્ષની મહિલાએ ભર્યું પગલું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જાણ બહાર પોતાનું બૅન્ક-અકાઉન્ટ સાઇબર ફ્રૉડ માટે ઉપયોગમાં લેવાતું હોવાના મામલે રાજસ્થાન સાઇબર સેલના પોલીસ અધિકારીઓએ પૂછપરછ કરવા આવવા નોટિસ આપી ત્યાર પછી ડોમ્બિવલીમાં રહેતી ૩૮ વર્ષની મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી.
રાજસ્થાનના ચુરુના સાઇબર સેલના અધિકારીઓ દેવિકા પંડારામ નામની મહિલાની પૂછપરછ કરવા ૮ ઑગસ્ટે આવ્યા હતા. બૅન્ક ઑફ મહારાષ્ટ્રમાં રહેલા દેવિકાના અકાઉન્ટનો ઉપયોગ સાઇબર ફ્રૉડ માટે થયો હોવાનું જણાવીને પોલીસે દેવિકાને નોટિસ મોકલી હતી અને પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યા અનુસાર દેવિકાને નોટિસ આપી તેની વિરુદ્ધ ગુજરાત, હરિયાણા, બિહાર, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં કેસ રજિસ્ટર થયા હોવાનું જણાવીને તેને પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું ત્યાર પછી તે ગભરાઈ ગઈ હતી. એને પગલે તેણે મંગળવારે બ્લેડથી પોતાનું કાંડુ અને ગળું કાપીને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ દેવિકાના પરિવારજનોએ તેને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. જોકે તેમણે મ્યુનિસિપલ હૉસ્પિટલમાં લઈ જવાનું કહેતાં તેને શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. જોકે ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.
