આગલી રાત સુધી હસતી રમતી હતી, સવારે પેરન્ટ્સે જગાડી ત્યારે ઊઠી જ નહીં
પ્રતીકાત્મક તસવીર
આઠમા ધોરણમાં ભણતી કલ્યાણની એક ટીનેજરનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. જીવ ગુમાવનાર ટીનેજરની ઉંમર ૧૩ વર્ષ હોવાનું અને નામ આંચલ સકપાળ હોવાનું જાણવા મળ્યું હતું. આંચલ તેની ફૅમિલી સાથે ૨૫ ડિસેમ્બરથી એક રિસૉર્ટમાં ક્રિસમસ ટ્રિપ પર ગઈ હતી. જોકે ૨૭ ડિસેમ્બરે સવારે જ્યારે તેના પેરન્ટ્સે આંચલને જગાડવાનો પ્રયાસ કર્યો તો તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી. તેનું શરીર ઠંડું પડી ગયેલું જોઈને તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવાઈ. જોકે ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
મળતી માહિતી પ્રમાણે આંચલની ફૅમિલીને આગલી રાત સુધી કંઈ જ અસામાન્ય જણાયું નહોતું. બે દિવસ તેમણે બધાએ હસી-રમીને એન્જૉય કર્યા હતા. આગલી રાતે આંચલે રેગ્યુલર ડિનર પણ કર્યું હતું. તેના અચાનક મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.


