હિન્દુ ટાસ્ક ફોર્સે મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવાની માગણી કરી
કાશીગાવના આદિવાસી વિસ્તારમાં બાંધવામાં આવેલી મસ્જિદ.
મીરા રોડના કાશીગાવ વિસ્તારમાં આવેલા માશાચા પાડા આદિવાસી વિસ્તારમાં હજરત ગૌહર શાહ બાબાની દરગાહ અને એની સામે એક મસ્જિદ બાંધવામાં આવી છે. આ દરગાહ અને મસ્જિદ આદિવાસીઓની જમીનમાં ગેરકાયદે બાંધવામાં આવી હોવાની ફરિયાદ હિન્દુ ટાસ્ક ફોર્સના સ્થાપક અને ઍડ્વોકેટ ખુશ ખંડેલવાલે મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં નોંધાવી છે. ખુશ ખંડેલવાલે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘કાશીગાવના માશાચા પાડામાં આવેલી સર્વે-નંબર ૪૭માં દોઢ હેક્ટર જમીન આદિવાસીના નામ પર છે. આ આદિવાસી ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના બાંધકામની પરવાનગી નથી. આમ છતાં અહીં એક દરગાહ અને મસ્જિદ બાંધી દેવામાં આવી છે. મેં મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ઉપરાંત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આ ગેરકાયદે દરગાહ અને મસ્જિદને મહારાષ્ટ્ર રીજનલ ટાઉન પ્લાનિંગ ઍક્ટ અંતર્ગત તાત્કાલિક તોડી પાડવા કહ્યું છે અને આ બાબતની ફરિયાદ પણ નોંધાવી છે. આદિવાસીની જમીનમાં આવી રીતે ધાર્મિક બાંધકામ કરવું એ ગંભીર મામલો છે એટલે એની સામે કાર્યવાહી થવી જ જોઈએ. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મિલીભગત કરીને આ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આથી જે પણ અધિકારી આમાં સામેલ હોય તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. સ્થાનિક પ્રશાસન જો કાર્યવાહી નહીં કરે તો બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે.’