Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જમવાનું લઈને આવું છું એમ કહીને મમ્મી ૩ માસૂમ બાળકોને રસ્તા પર તરછોડીને ફરાર

જમવાનું લઈને આવું છું એમ કહીને મમ્મી ૩ માસૂમ બાળકોને રસ્તા પર તરછોડીને ફરાર

Published : 06 May, 2026 02:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોમ્બિવલીની કાળજું કંપાવતી ઘટના, બાળકોની ઉંમર બેથી ૪ વર્ષની

વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનમાં બાળકોને શાંત કરતી સ્થાનિક મહિલાઓ.

વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનમાં બાળકોને શાંત કરતી સ્થાનિક મહિલાઓ.


ડોમ્બિવલી-વેસ્ટના દેવી ચોક વિસ્તારમાં માનવતાને શરમાવતી એક ઘટના બની છે. મંગળવારે બપોરે એક નિર્દયી માતા પોતાનાં ૩ માસૂમ બાળકોને ‘હમણાં જમવાનું લઈને આવું છું’ કહીને રસ્તા પર જ લાવારિસ હાલતમાં છોડીને ચાલી ગઈ હતી. આ બાળકોમાં ૪ વર્ષનો પુત્ર, ૩ વર્ષની પુત્રી અને સૌથી નાનો બે વર્ષનો પુત્ર સામેલ છે. આ મામલે ડોમ્બિવલીના વિષ્ણુનગર પોલીસે બાળકીની માતા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામ ચોપડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે બપોરે બે વાગ્યે આ ઘટનાની માહિતી અમને મળી હતી. ઘટનાની જાણ થતાં અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્રણેય બાળકોને કબજામાં લીધાં હતાં. બાળકોને પોલીસ-સ્ટેશન લઈ આવવવામાં આવ્યાં ત્યારે તેઓ ખૂબ ગભરાયેલાં હતાં અને સતત રડી રહ્યાં હતાં. બાળકોને શાંત પાડવા માટે અમે સ્થાનિક રહેવાસી મહિલાઓની મદદ લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આ માસૂમ બાળકોએ છેલ્લા બે દિવસથી કંઈ જ ખાધું નહોતું. અમારી ટીમે દેવી ચોક અને એની આસપાસના વિસ્તારોમાં બાળકોની માતાની શોધખોળ કરી હતી, પરંતુ મંગળવાર મોડી રાત સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. બાળકો હજી એટલાં નાનાં છે કે તેઓ પોતાના ઘરનું સરનામું કે માતા-પિતા વિશે કોઈ માહિતી આપી શક્યાં નથી. હાલમાં આ ત્રણેય બાળકો સંસ્થાની દેખરેખ હેઠળ સુરક્ષિત છે, પરંતુ માતા દ્વારા આ પ્રકારે બાળકોને ત્યજી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.’



પોલીસે બનાવી ૪ ટીમ


બાળકોની માતાને શોધી કાઢવા માટે પોલીસે ૪ અલગ-અલગ ટીમ તૈયાર કરી છે. આ ટીમ સંબંધિત વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી રહી છે અને સ્થાનિક બાતમીદારોની મદદ લઈ રહી છે. કયા કારણસર માતાએ પોતાનાં બાળકોને આ રીતે રસ્તા પર છોડી દીધાં, શું આની પાછળ કોઈ કૌટુંબિક વિવાદ છે કે આર્થિક તંગી એ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK