ડ્રામા સ્કૂલ મુંબઇ દ્વારા એકલવ્ય ઑનલાઈન સ્કૂલ ઑફ ડ્રામા શરૂ કરાઇ છે જેમાં અનેક જાતની તકનિકો ઇચ્છુકો ઘેર બેઠાં શીખી શકશે, ગુજરાતી સહિતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ભવિષ્યમાં કોર્સ ચાલુ કરાશે
મનીષ વર્મા, જેહાન માનેકશૉ અને હેતલ વરિયાએ બૉલીવુડ સેલિબ્રિટીઝ સાથે ઓનલાઇન તાલીમ અંગે સંવાદ સાધ્યો
`એકલવ્ય` એ ભારતીય પૌરાણિક કથાનું પ્રખ્યાત પાત્ર છે જેણે પોતાની જાતે જ પોતાની ગમતી વિદ્યામાં પારંગતતા મેળવી હતી. ડ્રામા સ્કૂલ મુંબિ દ્વારા એકલવ્ય ઑનલાઈન સ્કૂલ ઑફ ડ્રામામાં શરૂ કરાઇ છે. વિશ્વરંગ ભૂમિ દિન નિમિત્તે શરૂ થઇ રહેલા આ કોર્સમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી એડમિશન લેનારા વિદ્યાર્થીઓ કેરેક્ટર સ્ટડી, મોનોલૉગ, એક્સપ્રેસિવ વૉઇસ, એક્સપ્રેસિવ બૉડી, સ્ક્રિપ્ટ એનાલિસિસ, સ્ટોરીટેલિંગ, કેમેરાની સામે એક્ટિંગ, ઑડિશન કેવી રીતે આપવું જેવી બાબતો વિગતવાર શીખી શકશે. આ એક ઉગતા એક્ટર માટે પાઠ્યપુસ્તક સમાન કામ કરશે.
ઑનલાઈન સ્કૂલ ઑફ ડ્રામાનો પહેલો કોર્સ "બ્રેકિંગ ઑપન કેરેક્ટર" જે કોઈપણ શીખવા ઈચ્છે છે, તેને મફતમાં શીખવવામાં આવશે. આ લાઇનઅપ સરળ ભાષામાં અને તેને અનુસરનારને પ્રવૃત્તિની કોઇ પણ ખોટ ન સાલે તે રીતે તૈયાર કરાયું છે.
ADVERTISEMENT
અત્યાર સુધી એક્ટિંગ શીખવા માટે ઉત્સુકોએ FTII, NSD, DSM જવું પડતું હતું પણ હવે તો પોતાના ઘરે બેઠાં જ તેઓ આ સંસ્થાનોમાં મળતી તાલીમ મેળવી શકશે. એકલવ્ય દ્વારા તાલીમ મેળવીને ફિલ્મ ઉદ્યોગમાં અથવા તો અભિનય ક્ષેત્રે કાઠું કાઢનારાઓ પોતાના પાયાની વાત કરશે ત્યારે અનેક પ્રતિભાઓ મુખ્ય ધારામાં આ કોર્સ થકી આવી શકી તે સિદ્ધ થશે.આ અંગે એક ડિજીટલ પ્રેસ કોન્ફરન્સમાં ડ્રામા સ્કૂલના કો ફાઉન્ડર્સ જેહાન માનેકશૉ, મનીષ વર્મા અને હેતલ વરિયાએ બૉલીવુડના જાણીતા અભિનેતાઓની સાથે સંવાદ સાધી આ પ્લેટફોર્મની અગત્યતા અને અનિવાર્યતા વિશે વાત કરી હતી.
એકલવ્ય ઑનલાઇન સ્કૂલ ઑફ ડ્રામાના સહ સંસ્થાપક જેહાન માનેકશૉ એ જણાવ્યું કે "કલા અને સંસ્કૃતિ રાષ્ટ્ર-નિર્માણનો એક અનિવાર્ય ભાગ છે, જે આપણા મન, હ્રદય અને આત્મામાં ઉછરે છે. થિયેટર વ્યક્તિગત રૂપે, સમાજના રૂપે, રાષ્ટ્રના રૂપે એના વિકાસ માટે વિશેષરૂપે તાકાતવાન છે. ડ્રામા શીખવાથી આપણે આત્મવિશ્વાસ, સહયોગ અને સંચારનું નિર્માણ કરીએ છીએ. આપણે સહાનૂભુતિ, દયા અને આત્મ અભિવ્યક્તિના ગુણ પ્રાપ્ત કરીએ છીએ. આપણે એક-બીજા સાથે વધુ સારું કામ કરતા શીખીએ છીએ. આ મિશનને પૂર્ણ કરવા ડ્રામામાં ભાગ લેવો જરૂરી છે. એકલવ્યની સાથે, અમે લાખો ભારતીયોને આ પરિવર્તનકારી અનુભવ સુધી પહોચાડીશું. જેથી તેઓ એક વધુ સારા માણસ બની શકે, સાથે મળીને કામ કરી શકે અને એક વધુ સારા સમાજનું નિર્માણ કરી શકે, તે આપને એક વધુ સારા અભિનેતા પણ બનાવશે."
અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ નિમિત્તે કહ્યું કે, "હું વર્ષોથી ડ્રામા સ્કૂલ ઓફ મુંબઈના કામને અનુસરી રહી છું, જેમાં ઘણાં વર્કશોપમાં ભાગ પણ લીધો છે. એક અભિનેત્રી તરીકે તાલીમ લેતી વખતે મારો પોતાનો પણ ઘણો વિકાસ થયો છે. ડીએસએમ ટીમના સારા અનુભવી ફેકલ્ટીની સાથે હંમેશા સારુ શિક્ષણ મળ્યું છે. હવે એ જ કેયર અને અટેન્શનના લેવલને અકલવ્ય ડિજીટલી લાવી રહ્યું છે. જેમાં 1000થી વધુ મહત્વકાંક્ષી અભિનેતાઓ જે હાલ મુંબઈ નથી આવી શક્યા. તેઓને આ અમુલ્ય પ્રશિક્ષણનો અનુભવ કરવાની તક ઓનલાઇન મળી શકશે."
આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં અભિનેત્રી રિચા ચઢ્ઢાએ કહ્યું કે, ‘ઓનલાઇન શિક્ષણ મેળવવું વાઇરસને કારણે હવે સામાન્ય બની ગયું છે. મેં પોતે એક ડાન્સ ફોર્મ ઓનલાઇન શીખવાનો પ્રયાસ કર્યો અને મને સારું પરિણામ મળ્યું. એક્ટિંગ પણ એક પરફોર્મિંગ આર્ટ્સ છે એટલે ઓનલાઇન શીખવામાં કોઇ કચાશ રહી જશે તેવું ન માનવું જોઇએ.’ અભિનેતા કુણાલ કપૂર પણ મીડિયા સાથેના સંવાદમાં હાજર હતા અને તેમણે પણ કહ્યું કે, “હું ઓનલાઇન ગિટાર શીખ્યો, મને નથી લાગતું કે કંઇ પણ અશક્ય છે અને એક્ટિંગની તકનીકનો અભ્યાસ આ રીતે ઓનલાઇન મળી શકતો હોય તો તેનાથી બહેતર બીજું શું હોઇ શકે. ” એકલવ્ય ડ્રામા સ્કૂલ વિશે વધુ માહિતી તમને મળી શકશે વેબસાઇટ www.ekalavya.art પરથી. આ ડ્રામા સ્કૂલમાં ભવિષ્યમાં ગુજરાતી, બંગાળી તથા અન્ય ભાષાઓમાં પણ કોર્સના મોડ્યુલ નક્કી કરવામાં આવશે.

