ED Mumbai: આજે વસઈ-વિરાર મહાપાલિકાના મોટા અધિકારીના નિવાસસ્થાન સહીતનાં ૧૨ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા
પવારની બદલી થયાના એક દિવસ પછી જ દરોડા પાડવામાં આવ્યા (તસવીર સૌજન્ય - હનીફ પટેલ)
ઈડી (ED Mumbai) દ્વારા વસઈ-વિરાર પરિસરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીંના બિનઅધિકૃત બાંધકામો પર ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ આજે મહાપાલિકાના મોટા અધિકારીના નિવાસસ્થાન સહીતનાં ૧૨ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મુંબઈ, નાશિક, વસઈ-વિરારનો સમાવેશ થાય છે. સુત્રોએ એવું પણ જણાવ્યું છે કે આ દરોડા મોટેભાગે સંબંધિત અધિકારીઓના સ્થળો પર કરાયા છે.
રિપોર્ટ પ્રમાણે આજે વહેલી સવારથી જ દરોડા (ED Mumbai) પાડવામાં આવ્યા હતા. એક જ વેળાએ ૧૨ સ્થળોની શોધ શરુ હોઈ જેમાં વસઈ- વિરાર,મુંબઈ અને નાશિક જેવા સ્થળો આવે છે. આ કાર્યવાહી મોડે સુધી ચાલી શકે છે એમ સુત્રોએ જણાવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ વસઈમાં જે દરોડા પાડ્યા છે તેની વાત કરવામાં આવે તો વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (વીવીસીએમસી)ના ભૂતપૂર્વ કમિશનર અનિલકુમાર પવારના સત્તાવાર બંગલામાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં બાંધવામાં આવેલી ગેરકાયદેસર ઇમારતોના સંબંધમાં દરોડા પાડવામાં આવ્યા છે. અનિલ પવારની બદલી થયાના એક દિવસ બાદ જ આ દરોડા પાડવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીના સૂત્રોએ દરોડાની પુષ્ટિ કરી હતી. જાણકારી મુજબ ઈડીના અધિકારીઓ અનિલ પવાર સાથે જોડાયેલા બાર અલગ અલગ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે.
ADVERTISEMENT
અહેવાલો જણાવી રહ્યાં છે કે ઈડીએ વસઈ-વિરાર વિસ્તારમાં રહેણાંક અને કમર્શિયલ ઇમારતોના ગેરકાયદેસર નિર્માણના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ મીરા-ભાયંદર પોલીસ કમિશનરેટ દ્વારા નોંધાયેલી અનેક એફઆઈઆરના આધારે કેસ નોંધ્યો હતો. આ કેસમાં લગભગ સાઈઠ એકર વિસ્તારમાં એકતાલીસ રહેણાંક અને કમર્શિયલ બિલ્ડીંગ ગેરકાયદેસર રીતે ઊભી કરાઈ છે. વાસ્તવમાં આ પ્લોટ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગાર્બેજ ડેપો માટે રિઝર્વ રાખવામાં આવ્યો હતો. પરંતુ આરોપીઓએ અહીં ગેરકાયદેસર રીતે માળખું ઉભું (ED Mumbai) કરી નાખ્યું છે. જેની માટે આરોપી બિલ્ડર્સ અને સ્થાનિક દલાલોએ મંજૂરીના નકલી દસ્તાવેજો ધર્યા હતા.
બોમ્બે હાઈકોર્ટે 8 જુલાઈ, 2024ના તેના આદેશમાં તમામ એકતાલીસ ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ તમામ ગેરકાયદે બાંધકામમાં રહેતા પરિવારો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ એસએલપી દાખલ કરવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. 20 ફેબ્રુઆરી, 2025ના રોજ વીવીસીએમસી દ્વારા તમામ એકતાલીસ ઈમારતોને તોડી પાડવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ઇડી (ED Mumbai)એ જ્યારે આ મામલે તપાસ શરુ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં ૨૦૦૯થી મોટા પાયે ગેરકાયદે બાંધકામ ચલાવવામાં આવી રહ્યું છે. વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્રમાં મોટા પાયે થયેલા કૌભાંડમાં અનેક નામ સામે આવ્યા છે. જોકે, લગભગ ૨૫૦૦ પરિવારો પ્રભાવિત થયા છે. હાલમાં વસઈ-વિરાર નગરપાલિકાની હદમાં તેર સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવવામાં ચાલી રહ્યું છે.

