જોકે પોલીસે બે કલાકની અંદર સાત ટીનેજરને પકડીને પાછી મોકલી, એક હજી લાપતા
પ્રતીકાત્મક તસવીર
ઉલ્હાસનગર ટાઉનશિપમાં આવેલા એક સરકારી ઑબ્ઝર્વેશન હોમમાંથી મંગળવારે પરોઢિયે ૧૫થી ૧૭ વર્ષની આઠ છોકરીઓ બેડરૂમની બારીની ગ્રિલ તોડીને ભાગી ગઈ હતી. એને પગલે પોલીસ-અધિકારીઓએ મોટા પાયે સર્ચ-ઑપરેશન શરૂ કર્યું હતું. એમાં તેમને બે કલાકથી ઓછા સમયમાં ઉલ્હાસનગરમાં બે અલગ-અલગ સ્થળોએથી સાત છોકરીઓને શોધવામાં સફળતા મળી હતી.
હિલલાઇન પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ બાબતની ઑબ્ઝર્વેશન હોમના કૅરટેકરે તરત જ અમને જાણ કરી હતી. અમે લોકલ ટ્રેન-સર્વિસ શરૂ થાય એ પહેલાં સાત છોકરીઓને શોધી કાઢી હતી, નહીંતર તેઓ શહેરની બહાર ભાગી ગઈ હોત. તેમને તરત જ પાછી ઑર્બ્ઝવેશન હોમમાં લાવવામાં આવી હતી. એક છોકરી હજી મળી નથી. છોકરીઓને અહીં રહેવાનું ગમતું નહોતું એટલે તેમણે ભાગી જવાનું નક્કી કર્યું હતું.’