હવે રાજ્યના સૌથી સિનિયર નેતાની પાર્ટીમાં રહેલો અસંતોષ બહાર આવ્યો
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીની ગઈ કાલે મુંબઈમાં આયોજિત કરાયેલી સ્ટેટ વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપવા આવી પહોંચેલા પાર્ટીના વડા શરદ પવાર અને તેમનાં દીકરી સુપ્રિયા સુળે.
મરાઠા નેતાની હાજરીમાં જ પક્ષના કાર્યકરોએ કરી માગણી : રોહિત પવાર અને રોહિત પાટીલને મોટી જવાબદારી સોંપવા કહ્યું
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (શરદચંદ્ર પવાર) પાર્ટીના પદાધિકારીઓની ગઈ કાલે વાય. બી. ચવાણ ઑડિટોરિયમમાં મળેલી મીટિંગમાં અમુક કાર્યકર્તાઓએ શરદ પવારની સામે જ પાર્ટીના અધ્યક્ષપદેથી જયંત પાટીલને હટાવવાની માગણી કરી હતી. તેમણે જયંત પાટીલની જગ્યાએ વિધાનસભ્ય રોહિત પવાર અને રોહિત પાટીલને મોટી જવાબદારી સોંપવા કહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી એવું કહેવાય છે કે જયંત પાટીલ અને રોહિત પવારને બનતું નથી. રોહિત પવાર શરદ પવારના ભાઈના પુત્રનો પુત્ર છે.
ADVERTISEMENT
આ સિવાય બીજા પદાધિકારીઓની બદલી કરીને યુવા ચહેરાઓને પક્ષમાં જગ્યા આપવાની પણ માગણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની આગામી ચૂંટણીની તૈયારી માટે બોલાવવામાં આવેલી આ બેઠકમાં શરદ પવારે પણ પ્રસ્થાપિત ચહેરાઓની જગ્યાએ નવા લોકોને જવાબદારી આપવાની વાત કહી હતી. તેઓ નવી કૅડર બનાવવા માગે છે અને એટલે જ આગામી ચૂંટણીમાં ૭૦ ટકા યુવા અને ૫૦ ટકા મહિલાઓને ચાન્સ આપવાનું કહી રહ્યા છે.
કાર્યકરોએ જયંત પાટીલને અધ્યક્ષપદેથી દૂર કરવાની વાત કરી ત્યારે તેઓ પણ ત્યાં જ હતા. જોકે તેમણે આ જ કાર્યકરોને સામો પશ્ન કર્યો હતો કે ‘પહેલાં આ સભાગૃહમાં અત્યારે જેટલા લોકો બેઠા છે તેઓ ચૂંટણીમાં શું કામ કર્યું એનો ડેટા પક્ષના કાર્યાલયમાં જમા કરાવે. એના આઠ દિવસમાં અધ્યક્ષપદ છોડવાનો હું નિર્ણય લઈ લઈશ. બોલવું સહેલું છે, પણ સારા માણસ મળવા મુશ્કેલ છે. હું એકલો કેટલું કામ કરું?’