બસની રાહ જોયા પછી આવી જ નહીં એટલે અંતે મેટ્રો અને લોકલ ટ્રેનથી લોકોએ કર્યો પ્રવાસ
BESTની હડતાળ પૂરી થયા બાદ ગઈ કાલે ગોરેગામ બસડેપો પરથી મુસાફરોએ તેમની નિયમિત મુસાફરી શરૂ કરી હતી. (તસવીર: સતેજ શિંદે)
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક ઍન્ડ સપ્લાય ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની હડતાળ પતી ગઈ હોવા છતાં સોમવારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. રવિવારે રાત્રે BESTની હડતાળ પૂરી થયાની જાહેરાત થઈ હતી છતાં સોમવારે જે રીતે બસ-સર્વિસ પૂરી રીતે પાછી શરૂ થઈ હતી એ રીતે શરૂ ન થઈ હોવાને કારણે લોકોને ફરી હેરાનગતિ ભોગવવી પડી હતી. બસ-સર્વિસ શરૂ થઈ ગઈ હોવાનું માનીને લોકો બસ-સ્ટેશન પર બસની રાહ જોતા હોવા છતાં તેમણે બસ માટે રાહ જોતા ઊભા રહેવું પડ્યું હતું.
સવારે ૮ વાગ્યા સુધી બસોની કૅપેસિટીની ફક્ત ૫૭ ટકા બસ જ દોડતી હોવાનું જણાયું હતું. એને કારણે લોકોએ પ્રવાસ માટે મેટ્રો અને અન્ય ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
બસ દરરોજ શહેરમાં ૨૭૬૬ સર્વિસ પ્રોવાઇડ કરે છે અને પચીસ લાખ પૅસેન્જરોને સુવિધા પૂરી પાડે છે. જોકે સોમવારે ૧૪૩૬ બસ જ રસ્તા પર હતી. શેડ્યુલના હિસાબે ૨૫૨૭ બસ દોડવાની હતી, પરંતુ સોમવારે ફક્ત ૧૪૩૬ બસ જ લોકોની સર્વિસમાં હતી.
BESTની ૩ દિવસની હડતાળને પગલે પાસધારકોને મળશે ૩ દિવસનું એક્સ્ટેન્શન
શુક્રવારે શરૂ થયેલી BESTની હડતાળ રવિવારે રાત્રે પાછી ખેંચાઈ એ ૩ દિવસ દરમ્યાન પાસ ધરાવતા પૅસેન્જરોએ હાલાકી ભોગવવી પડી હતી. એને ધ્યાનમાં લઈને તેમને ૩ દિવસનું એક્સ્ટેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે તેમનો પાસ પૂરો થવાની મુદત ૩ દિવસ વધારવામાં આવી છે. સોમવારે પૅસેન્જરોએ તેમના પાસની મુદત ૩ દિવસ વધારવાની માગણી કરી હતી જે BESTએ સ્વીકારી હતી. હાલ મુંબઈમાં BESTના કુલ ૧૦,૫૬,૬૧૯ પૅસેન્જરો છે જેઓ પાસ ધરાવે છે.
સ્ટાફ રહ્યો ગેરહાજર, હજી પણ નારાજગી યથાવત્?
હડતાળ ખતમ થઈ ગઈ હોવા છતાં ૧૪૫૪ની જગ્યાએ ફક્ત ૮૩૫ ડ્રાઇવર જ ડ્યુટી પર હાજર હતા અને ૨૧૯૮ કન્ડક્ટરની જગ્યાએ ફક્ત ૧૩૨૫ કન્ડક્ટર જ ડ્યુટી પર હાજર હતા. સુપરવાઇઝરી સ્ટાફની હાજરી ૨૧૨ હોવાની જગ્યાએ ફક્ત ૧૭૮ રહી હતી અને ૨૦૬ બસ-ઇન્સ્પેક્ટરની જગ્યાએ ફક્ત ૧૩૯ જ હાજર રહ્યા હતા.
