એક દોસ્તારે બીજા દોસ્તારને મૉપ ફટકારીને મારી નાખ્યો- ગઈ કાલે સવારે યેઉરમાં આવેલા એક બંગલાના પાછળના ભાગમાંથી એક ડેડબૉડી મળી હતી
બંગલાની પાછળ ફેંકવામાં આવેલી ડેડબૉડી.
થાણેના યેઉરમાં આવેલા એક બંગલામાં મંગળવારે રાતે દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં ૨૮ વર્ષના ભાનુ પ્રતાપ સિંહની તેના મિત્ર રાજકુમાર યાદવે હત્યા કરી હતી. આ મામલે વર્તકનગર પોલીસે રાજકુમારની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. બન્ને મિત્રો માલિકના બંગલામાં મંગળવારે સાંજે દારૂ પીવા આવ્યા હતા. મોડી રાત્રે બન્ને મિત્રો વચ્ચે વિવાદ થતાં વાત મારઝૂડ સુધી પહોંચી ગઈ હતી. એ સમયે રાજકુમારે સફાઈ માટેના મૉપ વડે ભાનુ પ્રતાપ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભાનુ પ્રતાપનું મૃત્યુ થયું હતું. બન્ને વચ્ચે શું વિવાદ થયો હતો એ વિશેની જાણકારી મેળવવા માટેના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમ જ બંગલાના માલિકને જાણકારી હતી કે નહીં એની પણ તપાસ કરવામાં આવી રહી છે.
રાજકુમાર હત્યા બાદ ભાનુ પ્રતાપની ડેડબૉડી બંગલાની પાછળ ફેંકીને ઘટનાસ્થળેથી નાસી ગયો હતો એમ જણાવતાં વર્તકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે યેઉરમાં આવેલા એક બંગલાના પાછળના ભાગમાંથી એક ડેડબૉડી મળી હતી. ડેડબૉડીની ઓળખ ભાનુ પ્રતાપ સિંહ તરીકે થઈ હતી. આ મામલે વધુ તપાસ કરીને તેની હત્યા કરનાર રાજકુમારની બે કલાકની અંદર ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અને જીવ ગુમાવનાર વ્યક્તિ એક વ્યક્તિ પાસે ડ્રાઇવર તરીકેની નોકરી કરતા હતા. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને બાળપણના મિત્રો મંગળવારે રાત્રે યેઉરમાં તેમના માલિકના બંગલામાં દારૂપાર્ટી કરવા ગયા હતા જ્યાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. વાત મારઝૂડ પર આવતાં રાજકુમારે હત્યા કરી હોવાની કબૂલાત પ્રાથમિક તપાસમાં આપી છે.’


