છેલ્લા બે દાયકામાં ગીધની સંખ્યામાં થયેલો ઘટાડો ચિંતાજનક છે અને એના સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા બે દાયકામાં ગીધની સંખ્યામાં થયેલો ઘટાડો ચિંતાજનક છે અને એના સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આના ભાગરૂપે થાણેમાં હાલમાં ગીધ સંરક્ષણ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. ગીધનો માળો શોધીને ૨૦૦૦ રૂપિયા જીતવાની સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષની જેમ વન્યજીવન સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં વન્યજીવન સપ્તાહ ઊજવવામાં આવી રહ્યું છે. થાણેમાં વનવિભાગ, ઇન્ટેક થાણે ચૅપ્ટર અને અશ્વમેધ પ્રતિષ્ઠાન દ્વારા સંયુક્ત રીતે આ અભિયાન યોજવામાં આવ્યું છે. આ અભિયાનમાં ૩૧ ઑક્ટોબર સુધી ભાગ લઈ શકાશે.
થાણે જિલ્લાના વાઇલ્ડલાઇફ વૉર્ડન અવિનાશ હરડેએ જણાવ્યું હતું કે ‘લોકોએ થાણે જિલ્લાની સીમાઓમાં હાલમાં ઉપયોગમાં લેવાતા ગીધના માળા શોધીને બતાવવાના રહેશે. આવા માળા ઓળખીને સ્થાનિક વનવિભાગના કર્મચારીઓને બતાવનાર દરેક વ્યક્તિને ૨૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. ગીધની ઘટતી વસ્તી માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, દેશભરમાં ચર્ચા અને ચિંતાનો વિષય બની છે. ઝેરી દવાઓનો ઉપયોગ, રહેઠાણનો અભાવ અને પર્યાવરણીય અસંતુલનને કારણે ગીધ લુપ્ત થવાના આરે છે. આવી સ્થિતિમાં આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ
ગીધના અસ્તિત્વને ઓળખવાનો, એમના માળાઓ શોધવાનો અને એમનું રક્ષણ કરવાનો છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ તેમના વિસ્તારમાં જોવા મળતા ગીધના માળા શોધવાના રહેશે અને સંબંધિત વનવિભાગના કર્મચારીઓને એ વિશે જાણ કરવી પડશે. ફક્ત થાણે જિલ્લાની સીમામાં આવેલા અને હાલમાં ગીધ દ્વારા ઉપયોગમાં લેવાતા માળા જ ઇનામ માટે પાત્ર રહેશે.’
ADVERTISEMENT
ગીધની છેલ્લે હાજરી ૨૦૨૨માં નોંધાઈ હતી
થાણે જિલ્લો અગાઉ ગીધના યોગ્ય નિવાસસ્થાનનો ભાગ હતો. સમય જતાં શહેરીકરણ અને જંગલમાં ખોરાકની અછતને કારણે એમની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો થતો ગયો. અગાઉ ૨૦૨૨માં મહુલી કિલ્લાના વિસ્તારમાં ગીધની છેલ્લી હાજરી નોંધાઈ હતી. હવે છેલ્લાં ૩ વર્ષમાં ગીધનો કોઈ માળો મળ્યો નથી. ગીધ ઘણી વાર આકાશમાં ઊડતાં જોવા મળે છે, પરંતુ તેઓ થાણે જિલ્લામાં રહેતાં નથી. નાશિક જિલ્લામાં એમની સંખ્યા મોટી છે. એક ગીધ સામાન્ય રીતે એક દિવસમાં ૧૦૦ કિલોમીટર મુસાફરી કરે છે.


