ફાયરબ્રિગેડના જવાનોએ નવમા-દસમા માળેથી ત્રણ બાળકો અને એક મહિલાને ઉગારી લીધાં
આગ લાગેલા ફ્લૅટમાંથી મોટા પ્રમાણમાં ધુમાડાના ગોટેગોટા બહાર આવી રહ્યા હતા.
લાલબાગના ચિવડા ગલી વિસ્તારમાં આવેલા પૂનમ પાર્ક નામના ૧૦ માળના બિલ્ડિંગના દસમા માળે આવેલા એક ફ્લૅટમાં ગુરુવારે સવારે આગ ફાટી નીકળી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં આગ લાગેલા ફ્લૅટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા અને બારીની જાળીમાંથી આગની જ્વાળાઓ બહાર આવતી જોઈ શકાતી હતી. આગની આ ઘટનામાં ૩ બાળકો સહિત કુલ ૪ જણને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. મુંબઈ ફાયરબ્રિગેડને સવારે ૧૦.૧૬ વાગ્યે આ ઘટનાની જાણ થઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર-ફાઇટિંગ ટીમો અને ઇમર્જન્સી સેવાના કર્મચારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં. સવારે ૧૧.૪૦ વાગ્યા સુધીમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગ ઓલવવાની કામગીરી દરમ્યાન મુંબઈ ફાયરબ્રિગેડના જવાનોએ સીડીઓનો ઉપયોગ કરીને ૪ લોકોને જેમાં ૩ બાળકોનો સમાવેશ થાય છે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં હતાં. નવમા માળે આવેલા રૂમ-નંબર ૯૦૩માંથી આશરે ૯-૧૦ વર્ષની ઉંમરનાં બે બાળકો તથા દસમા માળે આવેલા રૂમ-નંબર ૧૦૦૫માંથી એક વર્ષનું બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. હાલમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ અને નુકસાનના વ્યાપ વિશેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
